મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

તાજમહેલના સંરક્ષણને લઇ કેન્દ્રનું ખુબ ઉદાસીન વલણ

કેન્દ્રના વલણને લઇને સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ ઉત્તરપ્રદેશની યોગી સરકાર તાજમહેલની સુરક્ષા, તેના સંરક્ષણને લઇને વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળ

નવીદિલ્હી,તા. ૧૧: તાજમહેલના સંરક્ષણને લઇને ઉદાસીન વલણ અપનાવવા બદલ આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ટીટીઝેડ ચેરમેનને નોટિસ આપી છે. તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે એમઓઈએફએ એક કમિટીની રચના કરી છે, જે તે જોશે કે તાજમહેલ કેટલો અને કયા કારણસર પ્રદૂષિત થયો છે. કેન્દ્ર સરકારે તેમ પણ કહ્યું કે પ્રદૂષણને લઈને તાજમહેલની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરશે. કમિટીનો રિપોર્ટ ૪ માસની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે કોઈ વિદેશી એક્સપર્ટને કમિટીમાં સામેલ કરવાની જરૃર છે કે નહીં. ૯ મેનાં રોજ સુપ્રીમ કોર્ટે એએસઆઈને ફટકાર લગાવી હતી. તાજમહેલના રંગ બદલવાને લઈને એએસઆઈએ મેલ અને ગંદકીને જવાબદાર ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, એએસઆઈએ સમજવા નથી ઈચ્છતા કે તાજમહેલમાં સમસ્યા શું છે? કોર્ટે પૂછ્યું કે શું મેલ હોય તેને પાંખો હયો છે જે ઉડીને તાજમહેલ પર જઈને બેસી જાય છે.  સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે પીએચડી ચેમ્બર્સને કહ્યું છે કે જે ઈન્ડસ્ટ્રી ચાલી રહી છે તેને તમે પોતે જ કેમ બંધ નથી કરતા. ત્યારે ટીટીઝેડ તરફથી કહેવાયું કે હવે તેઓ ટીટીઝેડમાં કોઈ નવી ફેક્ટરી ખોલવાની મંજૂરી નહીં આપે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે,ટીટીઝેડએે કેટલીક નવી ફેક્ટરીના આવેદનો પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારે ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં યોગ્ય જવાબ રજૂ કરવાનો છે તો ઉત્તર પ્રદેશ સરકારે જુલાઈમાં તાજમહેલને વર્ષો સુધી સુરક્ષિત રાખવા માટેનું વિઝન ડોક્યૂમેન્ટ રજૂ કરવાનું છે.

(12:00 am IST)