મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

વોટ્સએપ દ્વારા મોટાભાગના ફોરવર્ડ કરવામાં આવતા મેસેજને રોકવા માટે પગલા ભરવા કાર્યવાહીઃ ફોરવર્ડ મેસેજ ઇન્ડિકેટ સર્વિસનો પ્રારંભ

નવી દિલ્હીઃ વોટ્સએપના જબરજસ્ત ઉપયોગના કારણે લોકોને ફાયદો થઈ રહ્યો છે પણ કેટલીક એવી ઘટનાઓ બને છે કે જેના કારણે મોટું નુકસાન વેઠવું પડે છે. લોકો દ્વારા WhatsApp પર ખોટી માહિતીઓ ફેલાવવામાં આવતી હોવાના કારણે સ્થિતિ વિકટ બની રહી છે આવામાં ભારતમાં ખોટા મેસેજના કારણે પાછલા કેટલાક દિવસોમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. બાળકો ઉઠાવી જવાની ખોટી માહિતીના લીધે દેશમાં સર્જાયેલી સ્થિતિને જોતા સરકારે પગલા ભરીને વોટ્સએપને સૂચન કર્યું હતું જે બાદ વોટ્સએપ દ્વારા આ અંગેના પગલા ભરવાનું શરુ કરવામાં આવ્યું છે.

વોટ્સએપ દ્વારા મોટા પ્રમાણમાં ફોરવર્ડ કરવામાં આવતા મેસેજને રોકવા માટે એક પગલું ભરવામાં આવ્યું છે જેમાં લોકોને ખ્યાલ આવી જશે કે કયા મેસેજ સાચા અને કયા નહીં. વોટ્સએપના નવા ફીચરમાં ફોરવર્ડ મેસેજને ઈન્ડિકેટ કરવાનું શરુ કરી દીધું છે.

વોટ્સએપે આજથી જ પોતાની મેસેજિંગ એપમાંફોરવર્ડ મેસેજ ઈન્ડિકેટસર્વિસ શરુ કરી દીધી છે. વોટ્સએપે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે આ ફીચર વન-ટુ-વન અને ગ્રુપ ચેટને સરળ બનાવવામાં મદદરુપ થશે.

એટલે કે વોટ્સએપના આ નવા ફીચર દ્વારા યુઝર્સને ખ્યાલ આવી જશે કે, તમને મળેલો મેસેજ તમારા મિત્ર કે સગા દ્વારા લખવામાં આવ્યો છે કે પછી તે આગળથી આવેલો મેસેજ એમનો એમ મોકલવામાં આવી રહ્યો છે.

જોકે, આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પોતાનું વોટ્સએપ અપડેટ કરવું પડશે, એટલે કે યુઝર પાસે લેટેસ્ટ વોટ્સએપ વર્ઝન હોવું જરુરી છે. આ સર્વિસ અગાઉ બીટા વર્ઝનમાં હતી. વોટ્સએપે પોતાના યુઝર્સને એ પણ જણાવ્યું છે કે પોતાના મેસેજ સાવધાની સાથે આગળ મોકલે. આવા કન્ટેન્ટને બ્લોક કરવાની અને રિપોર્ટ સ્પર્મ કરવાની પણ સુવિધા પણ વોટ્સએપ દ્વારા યુઝર્સને આપવામાં આવી છે.

(5:57 pm IST)