મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

ઓમાન-ઇરાન રસ્તા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિશ્કેક ખાતે પહોંચશે

પાકિસ્તાનના રસ્તે નહીં જવા માટેનો નિર્ણય : પાકિસ્તાન સાથે હાલમાં કોઇ વાતચીત નહીં કરવા માટેનો નિર્ણય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બિશ્કેક યાત્રા આજથી : તમામની નજર

નવી દિલ્હી, તા. ૧૨ : કિર્ગીસ્તાનના પાટનગર બિશ્કેકના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી લઇ જવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આની જગ્યાએ રોમાન, ઇરાન અને મધ્ય એશિયન દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય એ વખતે કર્યો છે જ્યારે પાકિસ્તાને મોદીના વિમાન પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની મંજુરી આપી હતી. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્ર લખીને વાતચીત મારફતે તમામ વિવાદને ઉકેલવાની વાત કરી હતી પરંતુ ભારતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી મોદીના વિમાનને નહીં લઇ જવાનો નિર્ણય એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આ બેઠકમાં હિસ્સો લેવા માટે મોદી બિશ્કેક જનાર છે. તેમની યાત્રા ૧૩-૧૪મી જૂનના દિવસે થનારી છે. કેન્દ્રના આ નિર્ણય અંગે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બિશ્કેક જનારા વિમાન માટે ભારત સરકારે બે વિકલ્પો ઉપર વિચારણા કરી હતી. હવે એવો નિર્ણય કરાયો છે કે, આ વિમાન ઓમાન, ઇરાન, મધ્ય એશિયન દેશો મારફતે બિશ્કેક જશે. બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય હવાઈ દળે હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા હતા. જો કે, માર્ચ-એપ્રિલ મહિનામાં બે વિમાની ક્ષેત્રો ખોલી દીધા હતા. બાકીના નવ વિમાની ક્ષેત્ર હજુ પણ બંધ છે જેના સંદર્ભમાં ૧૪મી જૂનના દિવસે નિર્ણય લેવામાં આવશે. મોદી બિશ્કેક મિટિંગમાં આતંકવાદ સહિતના મુદ્દા ઉપર વાતચીત કરનાર છે. પાકિસ્તાની વડાપ્રધાન સાથે મોદીની કોઇ બેઠક રાખવામાં આવી નથી જે મહત્વપૂર્ણ બાબત છે. તમામ દબાણને ભારતે ફગાવી દીધું છે.

(8:28 pm IST)