મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

ઝરદારી ૧૧ દિના રીમાન્ડ પર

ઇસ્લામાબાદઃ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયાના બીજા જ દિવસે પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ આસીફ અલી ઝરદારીને એકાઉન્ટ્બીલીટી કોર્ટે ૧૧ દિવસના ફિઝિકલ રિમાંડ આપ્યા હતા. ઇસ્લામાબાદ હાઇકોર્ટે જામીન અરજી ફગાવ્યાના થોડા કલાકોમાં જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ ૬૩ વર્ષના ઝરદારીની નેશનલ એકાઉન્ટ્બીલીટી બ્યુરોએ તેમના ઘરેથી સોમવારે ધરપકડ કરી હતી.તેમને એકાઉન્ટ્બીલીટી કોર્ટેમાં રજૂ કરાયા હતા જયાં જજ મોહમ્મદ અર્શદ મલીકે તેમને ૧૧ દિવસના રિંમાંડ આપી ૨૧ જૂને ઝરદારીને કોર્ટ સમક્ષ લાવવા હુકમ કર્યો હતો.

કોર્ટની કાર્યવાહી દરમિયાન, બ્યુરોએ ઝરદારીના ૧૪ દિવસના રિમાંડ માગ્યા હતા જેનો ઝરદારીના વકીલે ભારે વિરોધ કર્યો હતો.

બ્યુરોના વકીલ મુઝફફર અબ્બાસીએ કોર્ટને માહિતી આપતા કહ્યું હતું કે બેંકના અધિકારીઓની મદદથી બનાવટી બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરાઇ હતી અને તપાસ માટે તેમના રિમાંડની જરૂર છે જ. ઝરદારીએ તેમના વકીલ મારફતે કરેલી અરજીમાં અટકાયત દરમિયાન નોકર પુરો પાડવા સહિત કેટલીક વિનંતીઓ કરી હતી.

કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં ઝરદારીએ કહ્યું હતું કે ઇમરાન ખાન પસંદ કરાયેલા વડા પ્રધાન છે નહીં કે ચૂંટાયેલા.

તેમણે દાવો કર્યો હતો કે આંતરિક બાબતોના પ્રધાન ઇજાઝ શાહે મારી ધરપકડનો ઓર્ડર કર્યો હતો. ઝરદારી અને તેમના બહેન ફરિયાલ મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી છે જેમની પર પાકિસ્તાનમાંથી ભેગા કરેલા પૈસા વિદેશ મોકલવા ગેરકાયદે બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો.

(3:30 pm IST)