મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

તુવેરની દાળનો ભાવ રૂ.૧૦૦ને પાર પહોંચ્યો! હવે સરકાર સફાળી જાગી

ડિમાન્ડ વધવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તુવેર દાળના ભાવ વધ્યા

નવી દિલ્હી, તા.૧૨: સામાન્ય માણસને હવે દાળની મોંઘવારી સતાવી રહી છે. દેશની રાજધાની દિલ્હીના રિટેલ માર્કેટમાં તુવેર દાળનો ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી પહોંચી ગયો છે. કમોડિટી એકસપર્ટ્સ જણાવે છે કે તુવેર દાળનો ભાવ ઉત્પાદનમાં ઘટાડાના કારણે વધ્યો છે. બીજી તરફ, આ વર્ષે એકસપોર્ટ પણ વધ્યું છે. તેથી કિંમતોમાં તેજી છે. જોકે, સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારની પાસે દાળની કોઈ ઘટ નથી. કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ થશે. સરકારે આફ્રિકન દેશ મોઝામ્બિકથી ૧.૭૫ લાખ ટન તુવેર દાળની આયાતની મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ૨ લાખ ટન તુવેર દાળ આયાત માટે ટૂંક સમયમાં લાયસન્સ જાહેર કરવામાં આવશે.

કન્સ્યૂમર અફેર્સ સચિવ અવિનાશ શ્રીવાસ્તવે CNBC આવાજના સંવાદદાતા અસીમ મનચંદાને જણાવ્યું કે દેશમાં તુવેરની દાળ પૂરતી માત્રામાં છે. હાલમાં લગભગ ૧૪ લાખ ટનનો બફર સ્ટોક છે. તેમ છતાંય કિંમતો કેમ વધી રહી છે, તેની તપાસ વહેલી તકે કરાવવામાં આવશે.

એકસપર્ટ્સનું કહેવું છે કે ડિમાન્ડ વધવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તુવેર દાળના ભાવ વધ્યા છે. સાથોસાથ, દુનિયાના મોટા તુવેર દાળ ઉત્પાદક અનેક દેશોમાં પણ ઉત્પાદન ઘટ્યા બાદ કિંમતોમાં તેજી આવી છે. ભારત મ્યાનમારથી તુવેરની દાળ ખરીદે છે. આ પહેલા વર્ષ ૨૦૧૫માં પહેલીવાર ભાવ ૨૦૦ રુપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો હતો. ભારત ઉપરાંત મ્યાનમાર અને કેટલાક આફ્રિકન દેશોમાં જ તુવેર દાળ પાકે છે.

(11:41 am IST)