મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

પ્રધાનો માટે ૩ વર્ષનો ટાસ્કઃ દર ૩ મહિને મોદી લેશે હિસાબ

ઐતિહાસિક વિજય બાદ ગર્વનન્સ સ્તરે પીએમ મોદી ફરી એક વખત એકશન મોડમાં: આજે મહત્વની મંત્રીમંડળની બેઠકઃ ઘરે-ઘરે પાણી પહોંચાડવાની યોજના મોદીની બીજી ટર્મનો હોય શકે છે મોટો એજન્ડા

નવી દિલ્હી તા. ૧ર : ઐતિહાસિક જીત મેળવ્યા પછી વડાપ્રધાન મોદી ફરી એકવાર એકશન મોડમાં આવી ગયા છે. આજે કેબીનેટ મીટીંગમાં તેઓ બધા પ્રધાનોને જણાવી દેશે કે આગામી ત્રણ વર્ષમાં તેમના માટે કઇ કામગીરી છે. એ પણ જણાવવામાં આવશે કે પોતાના ભાગની કામગીરી તેમણે કઇ રીતે અને કેટલા સમયમાં પુરી કરવાની છે મોદીએ હોદ્દો સંભાળ્યા પછી પહેલી વાર કામોની સમીક્ષા મીટીંગ પણ થશે. સોમવારે બધા વિભાગના સેક્રેટરીઓ સાથેની મીટીંગમાં પણ તેમણે કહ્યું હતું કે આ પ્રકારનો જનાદેશ મળ્યા પછી કોઇપણ પ્રકારની ભૂલ જનતા નહી  સ્વીકારેે.

પીએમઓએ બધા પ્રધાનોના કામકાજની સમિક્ષા કરવા માટે દર ત્રણ મહિને સમીક્ષા કરવાની સીસ્ટમ તૈયાર કરી છે. આ અંગે પણ આજની મીટીંગમાં બધાને જાણ કરાશે. પીએમઓએ એક એવી સીસ્ટમ તૈયાર કરી છે જેના હેઠળ બધા મંત્રાલયોને મળેલા ટાસ્ક વિષે રિયલ ટાઇમ પ્રગતિના લેખાજોખા દર્શાવવા પડશે.

મોદી સરકારની પહેલી ટર્મમાં પ્રધાન મંત્રી આવાસ યોજના, શૌચાલય અને ઉજ્જવલા જેવી યોજનાઓનો મોટો લાભ મળ્યો અને ગરીબોના એક મોટા હિસ્સાએ ભાજપને મત આપ્યા. ભારતની આઝાદીના ૭પ વર્ષ પુરા થવા પર મોદી તેને મોટી સફળતા તરીકે પ્રોજેકટ કરવા માંગે છે. આ ઉપરાંત આજની મીટીંગમાં ગરીબો માટે આગામી ત્રણ વર્ષમાં કઇ ત્રણ મોટી યોજનાઓ ચાલુ થઇ શકે તેના પર પણ વિચારણા થશે. સુત્રો અનુસાર, આ બાબતે બજેટમાં આવી એક મોટી યોજનાની પણ જાહેરાત થઇ શકે છે.

જો કે સરકાર સામે આર્થિક પડકારો પણ છે અને આજની મીટીંગમાં આ અંગે પણ ચર્ચા થઇ શકે છે. આર્થિક મોરચાના આંકડાઓ બહુ ઉત્સાહ જનક નથી. પીએમઓ તરફથી તેમાંથી નિકળવા માટે બનાવાયેલ બ્લુ પ્રિન્ટ અનુસાર સૌથી મોટો પડકાર રોકાઇ ગયેલા પ્રોજેકટમાં તેજી લાવવાનું છે. સુત્રો અનુસાર, આર્થિક મંદિમાં તેજી લાવવા માટે પ૦ હજાર કરોડના રોકાયેલ પ્રોજેકટમાં તેજી લાવવામાં આવશે.(૬.૧૦)

સૌને વિજળી, પાણી, શૌચાલય, ગેસ

દેશના દરેક નાગરિકને ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના સરકારની બીજી ટર્મની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. સુત્રો અનુસાર, મોદી સરકાર આ વર્ષથી મોટા પાયે આ દિશામાં મોટા પ્રોજકેટો શરૂ કરી શકે છે. ર૦રર સુધીમાં બધા ઘરો સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરી શકે છે મોદીની એવી ઇચ્છા છે કે ર૦રર સુધીમાં તે બધાને એક ઘર આપે જેમાં વિજળી, પાણી, શૌચાલય અને ગેસ હોય અને પરિવારના ઓછામાં ઓછા એક સભ્ય પાસે નોકરી હોય.(૬.૧૦)

 

(11:37 am IST)