મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

વિદેશમાં વેક્સીન કેમ મોકલી ? વિપક્ષના આક્ષેપ પર ભાજપે કહ્યું-પાડોશી દેશોને સુરક્ષિત કરવા પણ આપણી જવાબદારી

પહેલી મદદના રૂપમાં માત્ર 1 કરોડ વેક્સીન મોકલી બાકી 5 કરોડથી વધારે વેક્સીન દાયિત્વના રૂપામાં મોકલી : પડોશના 7 દેશોમાં 78.5 લાખ વેક્સીનના ડોઝ મદદના રૂપમાં અને બાકીના 2 લાખ ડોઝ UN પીસ કીપિંગ ફોર્સને આપ્યા

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં નવા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેની સાથે જ પહેલી લહેરની તુલનામાં કોરોના મોતનો ગ્રાફ પણ વધ્યો છે. કોરોના મહામારીના આ સમયમાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આવા સમયમાં જ્યારે દેશ વેક્સીનની અછતને લઇ સંઘર્ષ કરી રહ્યો છે, સરકાર વિદેશોમાં વેક્સીન મોકલી રહી છે.

આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબીત પાત્રાએ જવાબ આપ્યો છે. પાત્રાએ કહ્યું કે ભારત તરફથી પાડોશી દેશોને મદદ માટે વેક્સીન મોકલવામાં આવી કારણ કે પાડોશી દેશોને સુરક્ષિત કરવા પણ આપણી જવાબદારી છે. સંબિતે આરોપ લગાવ્યો છે કે વેક્સીનને લઇ કોંગ્રેસ પાર્ટી સતત ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહી છે.

ભાજપા પ્રવક્તાએ કહ્યું, ગઇકાલ સુધીમાં લગભગ 6.63 કરોડ વેક્સીન ભારત બહાર મોકલવામાં આવી હતી. એવા સવાલ થઇ રહ્યા છે કે દેશની બહાર વેક્સીન શા માટે મોકલવામાં આવી રહી છે. આ વેક્સીન બે કેટેગરીમાં મોકલવામાં આવી છે. પહેલી મદદના રૂપમાં માત્ર 1 કરોડ વેક્સીન મોકલી છે. બાકી 5 કરોડથી વધારે વેક્સીન દાયિત્વના રૂપામાં મોકલવામાં આવી છે. પડોશના 7 દેશોમાં અમે 78.5 લાખ વેક્સીનના ડોઝ મદદના રૂપમાં મોકલ્યા છે. બાકીના 2 લાખ ડોઝ UN પીસ કીપિંગ ફોર્સને આપ્યા છે કારણ કે 6000થી વધુ આપણા દેશના જવાનો જુદા જુદા દેશોમાં પીસ કીપિંગ માટે કામ કરી રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેરે ભારતનું સ્વાસ્થ્ય માળખું ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. બેડ અને ઓક્સિજનની અછતથી હોસ્પિટલો સંઘર્ષ કરી રહી છે. કોરોના વેક્સીનેશન કેન્દ્રો પર લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. ઘણાં રાજ્યો પાસે વેક્સીનનો સ્ટોક ક્યાં તો ખતમ થઇ ગયો છે કે ખતમ થવા આવ્યો છે. આ કારણે 18 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સીનેશનના કાર્યક્રમને જોઇએ એવી ગતિ મળી રહી નથી.

(12:31 am IST)