મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી

બાળકો પર રસીની ટ્રાયલ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી

એસઇસીએ ભારત બાયોટેકની અરજી પર વિચાર-વિમર્શ કર્યા બાદ લીધો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૨ : ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે. એકસપર્ટે અંદેશો જતાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે. આ જ કડીમાં એક મોટું પગલું લેવાયું છે.

દિલ્હી તેમજ પટણાની એમ્સ અને નાગપુરની સ્થિતિ મેડિટ્રીના ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ આઇસન્સ સહિત દેશના વિવિધ કેન્દ્ર પર ૫૨૫ વોલિયન્ટીયર પર ટ્રાયલ કરવામાં આવશે. હૈદરાબાદમાં આવેલ ભારત બાયોટેક ૨ થી ૧૮ વર્ષના બાળકો પર કોવેકસીનની સુરક્ષા અને પ્રતિરક્ષા અંગેની મંજુરી માંગી હતી. ત્યારબાદ એસઇસીએ ભારત બાયોટેકની અરજી પર વિચાર વિમર્શ કર્યા બાદ તેને ટ્રાયલની મંજુરી આપી દીધી છે.

કોરોના રસી સંબંધિત સબ્જેકટ એકસપર્ટ કમિટી (SEC) એ મંગળવારે ભારત બાયોટેકની રસીને ૨થી ૧૮ વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો લ્ચ્ઘ્ એ અગાઉ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેકસીનની ફેઝ ૨, ફેઝ ૩ના કિલનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ જે ૨ વર્ષથી ૧૮ વર્ષના બાળકો પર કરાશે.

અત્રે જણાવવાનું કે ભારતમાં હાલ જે બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ફકત ૧૮ વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી છે.ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીનનો હાલ પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ બધા વચ્ચે એકસપર્ટ્સે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી. ભારત સરકારના જ ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતું કે ત્રીજી લહેરનું આવવું નિશ્ચિત છે અને તેમાં બાળકો પર સૌથી વધુ અસર થઈ શકે છે.

એકસપર્ટની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેર અંગે ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા હતા કે જો ત્રીજી લહેર આવે તો બાળકોનું શું થશે. તેમના પરિજનોનું શું થશે. કયા પ્રકારે સારવાર થશે, આ બાબતો પર અત્યારથી જ વિચાર કરવાની જરૂર છે.

ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજયોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે.

(10:55 am IST)