મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

કામ-ધંધાની છૂટ નહિ મળતા નાના વેપારીઓમાં ભારે ધૂંધવાટ

વેપારીઓને આશા હતી કે સરકાર કામકાજની છૂટ આપશે પરંતુ સરકારે નહિ આપતા વેપારીઓ ભડકી ઉઠયાઃ સરકાર ઉપર ટીકાઓનો વરસાદ : કામ-ધંધા બંધ હોવાથી જંગી આર્થિક નુકશાન થયુ છે, સરકાર નિર્ણયની ફેરવિચારણા કરે તેવી વેપારીઓની માંગણી

રાજકોટ, તા. ૧૨ :. રાજ્ય સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્યના ૩૬ શહેરોમાં નિયંત્રણો ૧૮મી મે સુધી લંબાવતા નાના વેપારીઓમાં ભારે ધૂંધવાટ પ્રવર્તી રહ્યો છે.

ગુજરાતમાં નિયંત્રણો હળવા થશે તેવી આશા રાખીને વેપારીઓ બેઠા હતા પરંતુ તેઓની આશા ઠગારી નિવડી છે અને સરકારે મીની લોકડાઉન ૧૮મી સુધી લંબાવી દીધુ છે. વેપારીઓએ અત્યાર સુધી એકધારી રજૂઆતો કરી હતી કે નિયંત્રીત સમય માટે કામધંધો શરૂ કરવાની છૂટ મળવી જોઈએ, પરંતુ સરકારે વેપારીઓની વાત ધ્યાને નહિ લેતા વિવિધ વેપારીઓ અને વેપારી સંગઠનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

વેપારીઓનુ કહેવુ છે કે ફરી એક વખત ગુજરાત સરકારે અમારી સાથે દગો કર્યો છે. બજાર ખોલવાની અપીલો સરકારે ધ્યાને લીધી નથી. સરકારના નિર્ણયને અમે ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. વેપારીઓનું કહેવુ છે કે છેલ્લા દોઢ વર્ષથી કામધંધા ઠપ્પ છે ત્યારે સરકાર નિયંત્રણો લંબાવતી જાય છે જેના કારણે અમારી આર્થિક સ્થિતિ હાલકડોલક થઈ ગઈ છે, એટલુ જ નહિ કામ કરતા માણસોને પણ છૂટા કરવા પડી રહ્યા છે. વેપારીઓનું એવુ પણ કહેવુ છે કે સરકારે ફેરવિચારણા કરવી જ પડશે.

વેપારીઓનું કહેવુ છે કે ૬૦ ટકા દુકાનો ચાલુ છે જ્યારે માત્ર ૪૦ ટકા દુકાનોને બંધ રાખવાની ફરજ પાડવામા આવી છે જે અન્યાયી છે. આજે ઓનલાઈન વેપાર ચાલુ છે. આવશ્યક ચીજવસ્તુઓના નામે મોટાભાગના કામધંધા ચાલુ છે ત્યારે માત્ર ગણ્યાગાંઠયા વેપારીઓને જ ડામ શા માટે આવી રહ્યો છે ? અમોને પણ કામધંધા શરૂ કરવાની છૂટ મળવી જોઈએ.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં ગઈકાલે વિવિધ વેપારી એસોસીએશનોએ કલેકટરને રજૂઆત કરી હતી અને કામધંધા શરૂ કરવાની છૂટ માંગી હતી. તેઓનું કહેવુ છે કે કામધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ જ આર્થિક નુકશાન સહન કરવુ પડયુ છે. એટલુ જ નહિ કામ કરનારા કર્મચારીઓને પણ પગાર ચૂકવવાની સ્થિતિમાં નથી. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સે પણ માંગણી કરી હતી કે સવારે ૮ થી બપોરે ૩ સુધી કામધંધા ચાલુ રાખવાની છૂટ મળવી જોઈએ પરંતુ સરકારે તેઓની વાત પણ ધ્યાને લીધી નથી જેને કારણે તેઓમાં પણ ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ચેમ્બરનું કહેવુ છે કે કાં તો સંપૂર્ણ લોકડાઉન લાદવુ જોઈએ અથવા તો નિયંત્રણો સાથે કામધંધાની છૂટ આપવી જોઈએ. અધકચરૂ લોકડાઉન લાદવાથી કોરોનાનુ સંક્રમણ હટશે નહિ.

(10:52 am IST)