મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

પતંજલિનો બિસ્કિટ બિઝનેસ ૬૦ કરોડ રૂપિયામાં વેચાયો

રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ પતંજલિના બિસ્કિટ બિઝનેસ પતંજલિ નેચરલ બિસ્કિટ પ્રાઈવેટ લિમિટેડને ટેકઓવર કરશે : આ ટેકઓવર માટે રૂચિ સોયા પતંજલિને ૬૦.૦૨ કરોડ રૂપિયા ચૂકવશે, જે બે હપ્તામાં ચૂકવવાનું નક્કી થયું છે : કંપનીએ કહ્યું કે, ૧૦ મેએ બોર્ડ ઓફ ડિરેકટર્સે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર સહી પણ કરી દીધી છે

નવી દિલ્હી,તા. ૧૨: રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝે મંગળવારે જાહેરાત કરી છે કે, તે પતંજલિના બિસ્કિટ બિઝનેસ પતંજલિ નેચરલ બિસ્કિટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરશે. આ સોદો ૬૦.૦૨ કરોડ રૂપિયામાં નક્કી થયો છે. કંપનીએ કહ્યું કે, ૧૦ મેએ બોર્ડ ઓફ ડિરેકટર્સએ બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.

આ હસ્તાંતરણની પ્રક્રિયા આગામી બે મહિનામાં પૂરી થઈ જશે. રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝે કહ્યું કે, ટેકઓવરના રૂપિયા બે હપ્તામાં આપવામાં આવશે. તેમાંથી ૧૫ કરોડ રૂપિયા એગ્રીમેન્ટની કલોઝિંગ ડેટ પર કે તે પહેલા આપવામાં આવશે અને બાકીના લગભગ ૪૫ કરોડ રૂપિયા કલોઝિંગ ડેટના ૯૦ દિવસની અંદર ચૂકવવામાં આવશે.

આ ટ્રાન્જેકશનમાં કેટલાક કોન્ટ્રાકટ મેન્યુફેકચરિંગ એગ્રીમેન્ટ પણ છે અને સાથે જ કર્મચારીઓની સાથે-સાથે કંપનીની એસેટ્સ પણ ટ્રાન્સફર થશે. કરન્ટ એસેટ્સ અને કરન્ટ લાયેબિલિટી સહિત તમામ લાયસન્સ અને પરમિટ પણ રુચિ સોયાને ટ્રાન્સફર થશે. આ ટેકઓવરનો હેતુ કંપનીના હાલના પ્રોડકટ પોર્ટફોલિયોને હજુ વધારવાનો છે. રુચિ સોયાએ કહ્યું કે, ટેકઓવર એક અગ્રણી એફએમસીજી ખેલાડી તરીકે પોતાની સ્થિતને મજબૂત કરવા માટે કંપનીની ચાલી રહેલી રણનીતિને સપોર્ટ કરે છે.

રુચિ અને પતંજલિ નેચરલ બિસ્કિટ પ્રાઈવેટ લિમિટેડ સંબંધિત પક્ષકાર એક બિન-પ્રતિસ્પર્ધી વ્યવસ્થા માટે સંમત થયા છે, જે અંતર્ગત પતંજલિ આયુર્વેદ લિમિટેડ સહિત પીએનબીપીએલ અને તેના સંબંધિત સહયોગી ભારતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બિસ્કિટના કોઈ બિઝનેસમાં પ્રવેશ નહીં કરી શકે. પીએનબીપીએલનો બિઝનેસ ૨૦૧૯-૨૦માં ૪૪૮ કરોડનો હતો.

રુચિ સોયા ડિસેમ્બર ૨૦૧૭માં દેવાળિયા પ્રક્રિયામાં સામેલ થઈ હતી. બાબા રામેદેવની કંપની પતંજલિએ દેવામાં ડૂબેલી રુચિ સાયાને ખરીદવા માટે ૪૩૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ સોદાને મંજૂરી આપી દીધી હતી. હાલમાં રામદેવની આ કંપનીમાં તેમના ભાઈ ભરત રામ મેનેજિંગ ડિરેકટર નિયુકત કરાયા છે.

(10:19 am IST)