મુખ્ય સમાચાર
News of Saturday, 12th May 2018

રાહુલ - પ્રિયંકા આજે લાલુપુત્રના લગ્નમાં હાજરી આપશે

ભવ્ય સમારોહ : હજારો આવશે : ૧૦૦થી વધુ રસોયા તૈનાત : તેજસ્વી 'જવાહર કોટ' પહેરશેઃ કોવિંદ - મોદીને પણ નિમંત્રણ !

પટણા તા. ૧૨ : રાજદના વડા લાલુ પ્રસાદના પુત્ર તેજપ્રતાપના લગ્નની તૈયારી થઇ ચૂકી છે. ૭૦૦૦ મહેમાનો અને ૫૦ ઘોડા સહિત લગ્ન સમારંભ માટે બે વૈભવી હોટલોમાં સંખ્યાબંધ રૂમ બુક કરાયા હતા. તેજપ્રતાપના લગ્ન બિહારના સાંસદ ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે બિહાર વેટરનરી કોલેજના ગ્રાઉન્ડ પર યોજાશે. યોગ ગુરૂ બાબા રામદેવે આજે લાલુ પ્રસાદની મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને પ્રિયંકા વાડરા લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

તેજપ્રતાપના લગ્ન બિહારી પરંપરા મુજબ યોજાશે. આ પ્રસંગને યાદગાર બનાવવા લાલુ પ્રસાદ કોઇ કસર છોડશે નહિ. રાજદના સભ્યો અને નેતાઓ વિવિધ દરખાસ્તો લઇને પહોંચી ગયા છે. બરહારાના સરોજ યાદવે વરઘોડા માટે ૫૦ ઘોડા મોકલવાનું જણાવ્યું હતું. લાલુના બંગલા પર શુભ સંકેત માટે લીંબુ અને મરચાના તોરણ પણ જોવા મળ્યા હતા.

લગ્ન સમારંભમાં ૭૦૦૦ મહેમાનો માટે અમૃતસરી કુલચા, આગ્રાના પરાઠા અને બિહારના લીટ ચોખાની બમિજબાની માટે ૧૦૦ રસોઇયા તૈયાર કરાયા છે. પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી રસોઇયા ઉપરાંત સહાયકોને બોલાવાયા હતા. સમારંભમાં ૧૦૦થી વધુ ફૂડ સ્ટોલ ઉભા કરાશે.

તેજપ્રતાપ માટે બિહારના ડિઝાઇનર પાસે કુર્તા પજામા તૈયાર કરાયા હતા. પૂર્વ આરોગ્ય મંત્રી તેજપ્રતાપે સાદો પોશાક પહેરવાનું પસંદ કર્યું હતું.

પુત્રવધૂ ઐશ્વર્યા એ પણ ભભકાદાર ડ્રેસને બદલે પટણા અને દિલ્હીથી સાદો ડ્રેસ તૈયાર કરાવ્યો હતો. તેજસ્વી પ્રસાદ જવાહર કોટમાં સજ્જ થશે.

લાલુ પ્રસાદની પુત્રી મિસા ભારતીએ જણાવ્યું હતું કે, લગ્ન સમારંભમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.(૨૧.૧૦)

 

(11:40 am IST)