મુખ્ય સમાચાર
News of Saturday, 12th May 2018

પાણી પ્રશ્ને ઔરંગાબાદમાં ઉલ્કાપાતઃ ભારે હિંસામાં ૩ મોત

પાણીની લાઈન કાપવામાં કોર્પોરેશને ભેદભાવ રાખતા હિંસા ફાટી નિકળીઃ સેંકડો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યાઃ વિસ્ફોટક સ્થિતિઃ ઈન્ટરનેટ સેવા બંધઃ એસીપી સહિત ૧૫ પોલીસ સહીત કુલ ૬૦ને ઈજા ૨૫ ગંભીરઃ ૩૦ થી ૪૦ દુકાનો સળગાવીઃ૪૦ થી ૫૦ વાહનો ભસ્મીભૂત

ઔરંગાબાદ, તા.૧૨: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીના ઝઘડાને લઈને બે જુથો વચ્ચે રાતભર થયેલ હિંસા હવે દંગામાં પરિવર્તીત થઈ છે. આ તનાતની અને મારપીટમાં બે લોકોના મોત થયા છે. જયારે ૬૦ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત ઘાયલોમાં ૧૦- ૧૫ પોલીસવાળાનો પણ સમાવેશ થાય છે.

હિંસા દરમિયાન ૩૦ થી ૪૦ દુકાનોમાં આગ લગાડયામાં આવી હતી તો ૪૦- ૫૦ ગાડીઓ પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. શહેરના શાહગંજ, રાજાબજાર અને ગાંધીનગરમાં હિંસા થઈ છે. પોલીસ દ્વારા ભીડને કાબુ કરવા હવાઈ ફાયરીંગ કરાયેલ અને પ્લાસ્ટીકની ગોળીઓ છોડવામાં આવેલ.

મહારાષ્ટ્રના ગૃહ રાજયમંત્રી દિપક કેસકરના જણાવ્યા મુજબ આ દંગામાં બે લોકોના મોત થયા છે. આ હિંસાને કંટ્રોલ કરી લેવામાં આવી હતી પણ અફવાના કારણે ફરીથી હિંસા ભડકી હોવાનું પણ તેમણે જણાવેલ.  તેમણે ઉમેરેલ કે એક વ્યકિતનું મોત સાંપ્રદાયીક હિંસાના કારણે થયેલ જયારે અન્ય એકનું મોત પ્લાસ્ટીકની બુલેટ લાગવાથી થયેલ.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીના પ્રવનને લઈને ગઈકાલે મોડીરાત્રે ચાલુ થયેલ હિંસામાં એકનું મોત થયું છે. મેયર નંદકુમાર ઘોડેલે જણાવ્યું હતુ કે શહેરના મોતીરંજા વિસ્તારમાં પાણી અંગે લઘુમતિઓમાં વિવાદ હતો. જેના કારણે આ હીંસા થઈ છે. તેમણે લોકોને શાંતિ રાખવા પણ અપીલ કરી છે.

આ ઘટના બાદ હિંસક ટોળાએ આ વિસ્તારમાં આવેલ દુકાનો અને વાહનોને આગને હવાલે કરી દીધા છે. આ ટોળુ તલવારો, છરીઓ અને લાકડીઓથી સજજ હતુ. આ હિંસામા૧૫ જેટલા પોલીસ કર્મીઓ સહીત કુલ ૬૦ લોકો ઘાયલ  થયાના સમાચાર છે. આ ઘટનાથી ગાંધીનગર, મોતીકરંજા અને રોસાબાગ વિસ્તારોમાં ભારે તણાવભરી સ્થિતી સર્જાય છે. ઘટના બાદ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પોલીસ બળ મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંતા જાલનાથી પણ વધુ પોલીસ કુમકો મંગાવી છે.

 ઘટનાની વિગત એવી છે કે ઔરંગાબાદમાં શુક્રવારે રાત્રે નાની એવી પાણીની વાતથી બે જુથો વચ્ચે ઝઘડો થતા આ ઝઘડાએ સાંપ્રદાયીક રૂપ ધારણ કરેલ. ત્યારબાદ શહેરના રસ્તાઓ ઉપર યુવાનોના ટોળે- ટોળા એકત્રીત થવા લાગ્યા હતા અને સામસામે પથ્થરમારો ચાલુ થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ ઘટનામાં ફાયરીંગ થતા એક કિશોરનું મૃત્યુ થતા તણાવ ખુબ જ વધ્યો હતો.

આ હિંસામાં એસીપી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હેમંતકદમ અને ઈન્સપેકટર શ્રીપદ ઘાયલ થયેલનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત ૬૦ લોકો પણ હિંસામાં ઘાયલ થયા છે. ટોળાએ અનેક ગાડીઓ, દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.

  આ પહેલા બે જુથો વચ્ચે થયેલ તણાવ દરમિયાન પોલીસ અને હિંસક ભીડ વચ્ચે અથડામણ થઇ હતી આ દરમિયાન ટોળાએ જોરોદાર પથ્થરમારો કરેલ જેમા પોલીસની ચાર ગાડીઓમાં નુકશાન થયેલ

 આ ઘટના  અંગે પોલીસે જણાવેલ કે ગઇકાલ રાતથી શરૂ થયેલ જુથ અથડામણમાં પોલીસ કર્મીઓ સીવાય ૨૫ લોકો ઘાયલ થયા છે. હિંસા ઉપર કાબુ મેળવવા માટે ઔરંગાબાદના જુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઇ છે અને ૧૪૪ મી કલમ લાગુ કરી દેવાઇ છે  મામલાની તપાસ  કરી રહેલ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ વિવાદ કેમ થયો તેની ચોખ્ખી માહિતી મળતી નથી જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ  પાણીની પાઇપ લાઇન કાપવામાં કથીત ભેદભાવ રખાતા આ હિંસા શરૂ થઇ હતી.

 જયારે અન્ય ચર્ચાઓ મુજબ ધંધાકીય હરીફાઇની વાત પણ સામે આવી રહી છે. હાલ શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા બળને તૈનાત કરવામાં આવ્યા છે. અને  તણાવભરી સ્થિતિ ચાલુ છે. આજે હિંસાના પગલે તંત્ર દ્વારા અફવા ના લીધે સ્થિતિ કાબુ બાહર ન જાય તે માટે ઔરંગાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

(2:22 pm IST)