મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

મહારાષ્ટ્રમાં લોકડાઉનની તૈયારી શરૂ : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા સંકેત

લોકડાઉનમાં ગરીબોને હેરાનગતિ ના થાય તે માટેના ઉપાય સરકાર કરી રહી છે

મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રતિદિવસ મોટી સંખ્યામાં આવી રહેલા કેસના કારણે લોકડાઉનનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને માહિતિ આપી છે કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને જોતા ટૂંક જ સમયમાં લોકડાઉન લગાવવામાં આવશે. અત્યારે તેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે

રાજેશ ટોપેએ આગળ કહ્યું કે લોકડાઉનમાં ગરીબોને હેરાનગતિ ના થાય તે માટેના ઉપાય સરકાર કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે 10 અને 12મા ધોરણની પરીક્ષાઓ પણ હાલ મોકુફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે ઉદ્ધવ ઠાકરે છેલ્લા ઘણા દિવસોથી કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ઘણી ખરાબ છે અને લોકડાઉન સિવાય કોઇ ઉપાય દેખાતો નથી.

નવાબ મલિકે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જ્યારે દેશભરમાં લોકડાઉન લગાવ્યો, ત્યારે તેમણે કોઇની સલાહ નહોતી લીધી અને ના તો તેમણે કોઇના ખાતામાં પૈસા મોકલ્યા. જેથી ભાજપને આવા સવાલ કરવાનો અધિકાર નથી. રાજનીતિ માટે આવી માંગ કરવી ઉચિત નથી

બીજી તરફ લોકડાઉન પર મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ લોકડાઉનનો વિરોધ કરી રહી છે. નિવેદનબાજી ચાલી રહી છે અને આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેનો જવાબ આપ્યો છે.

(10:55 pm IST)