મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

ઝારખંડમાં પુત્રએ પિતાના અતિંમ સંસ્કાર માટે ૪૦ કલાક રાહ જોઇ

દિલ્હી-મુંબઈ બાદ દેશના અન્ય ભાગોમાં કોરોના વકર્યો : હરમૂના સ્મશાન ઘાટમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓને ગેસ ક્રિમેટોરિયમમાં દાહ અપાય છે, મશીન ખરાબ થતાં હાલાકી

નવી દિલ્હી, તા. ૧૨ : દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરો બાદ હવે દેશના બાકીના હિસ્સામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઝારખંડમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ બેકાબૂ થઈ રહ્યો છે. એક તરફ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે તો સાથે મૃતકઆંક પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.

ઝારખંડમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, હોસ્પિટલમાં દાખલ કરાવવાથી લઈને સ્મશાન ઘાટ સુધી વેઈટિંગ જોવા મળી રહ્યું છે. કબ્રસ્તાનથી લઈને સ્મશાન ઘાટ સુધી મૃતકોના પરિવારજનો અંતિમ વિધિ કેવી રીતે કરવી તેને લઈ પરેશાન છે. એક મૃતકના પુત્રએ તેઓ છેલ્લા ૪૦ કલાકથી પિતાના અગ્નિ સંસ્કાર માટે ઉભા છે પરંતુ ક્યાંયથી મદદ નથી મળી રહી તેવી વ્યથા વ્યક્ત કરી હતી.

ઝારખંડમાં મૃતકઆંક વધી રહ્યો હોવાથી અંતિમ સંસ્કાર માટે પણ ખૂબ સમય સુધી રાહ જોવી પડી રહી છે. હરમૂ ખાતેના સ્મશાન ઘાટમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને ગેસ ક્રિમેટોરિયમમાં દાહ આપવામાં આવે છે. પરંતુ રવિવારે મશીન બગડી જવાના કારણે અંતિમ વિધિ નહોતી થઈ શકી. કારણે મૃતકોના પરિવારજનો અનેક કલાક સુધી સ્મશાન ઘાટના મુખ્ય દરવાજે રાહ જોઈને બેસી રહ્યા હતા. આખરે જિલ્લા પ્રશાસને વચ્ચે પડીને ઘાઘરા ખાતે તે તમામ મૃતદેહની અંતિમ વિધિ કરાવડાવી હતી.

મૃતદેહ લઈને સ્મશાન ઘાટ પહોંચેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવર્સને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. ગરમીમાં અનેક કલાક સુધી પીપીઈ કીટ પહેરીને રાહ જોવાના કારણે તેઓ પણ ખૂબ ત્રસ્ત થઈ ગયા છે. રાંચીમાં છેલ્લા ૧૦ દિવસથી મૃતકઆંકમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.

(7:52 pm IST)