મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

રશિયા-યુક્રેન વચ્ચે તણાવથી યુરોપમાં યુદ્ધ જેવો માહોલ

કોરોના મહામારી બાદ યુરોપ માટે વધુ એક ટેન્શન : સમગ્ર યુરોપને અત્યારે હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યું

મોસ્કો, તા. ૧૨ : રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તનાવના પગલે દુનિયાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કોરોના મહામારી બાદ યુરોપ માટે એક વધુ ટેન્શન ઉભુ થયુ છે. સમગ્ર યુરોપને અત્યારે હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યુ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનુ ટેન્શન વધુ એક મોટા યુધ્ધનુ કારણ બની શકે છે. કારણકે રશિયાએ સીમા પર સૈનિકો અને શસ્ત્રોની તૈનાતી વધાર્યા બાદ અમેરિકા સહિતના યુરોપના દેશો યુક્રેનની તરફેણમાં આવ્યા છે. અમેરિકાએ પોતાના લડાકુ વિમાનોને રશિયાના પાડોશી દેશ નોર્વેમાં મોકલી આપ્યા છે.

બીજી તરફ ફ્રાંસે પણ યુક્રેનના સમર્થનમાં તૈયારીઓ તેજ કરી છે. ફ્રાન્સે પોતાની વાયુસેનાના રાફેલ અને મિરાજ ૨૦૦૦ વિમાનોની કવાયત પણ કરી છે. જેમાં વિમાનો થકી પરમાણુ બોમ્બ લઈ જતી મિસાઈલોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. જોકે ફ્રાંસનુ કહેવુ છે કે, દર ચાર વર્ષે પ્રકારની કવાયત વાયુસેના કરતી હોય છે.

કવાયતમાં ૫૦ લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો. જેમાં અર્લિ એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ ધરાવતા વિમાનો પણ સામેલ થયા હતા. થી કલાકની કવાયત દરમિયાન ફ્રાંસના વિમાનોએ મધ્ય ફ્રાંસમાં બનાવાયેલી ટેસ્ટિંગ રેન્જમાં મિસાઈલો લોન્ચ કરી હતી.

ફ્રાંસ દ્વારા હાલમાં પોતાના વિમાનમાંથી લોન્ચ થઈ શકે તેવા મિસાઈલનુ પરીક્ષણ કરી રહ્યુ છે. નવા મિસાઈલ માટે ફ્રાંસનો દાવો છે કે તેને દુનિયાની કોઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રોકી શકે તેમ નથી. મિસાઈલથી રાફેલ વિમાનને સજ્જ કરવાની પણ યોજના છે.

(7:48 pm IST)