મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

અદાણી ગ્રુપે દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફિલપકાર્ટ સાથે હાથ મિલાવ્‍યોઃ 2500 લોકોને રોજગારી મળશેઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત

નવી દિલ્હી: દેશના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોમવારે મોટી જાહેરાત કરી છે. જે મુજબ અદાણી ગ્રુપે દેશની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે હાથ મીલાવ્યો છે. ફ્લિપકાર્ટ અને અદાણી ગ્રુપ હવે દેશમાં એકસાથે લૉજિસ્ટિક મોરચા પર કામ કરશે. બન્ને કંપનીઓ વચ્ચે આ ભાગીદારીથી લગભગ 2,500 લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખુદ સોમવારે આ અંગે ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં ગૌતમ અદાણીએ લખ્યું છે કે, દેશની ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે અમારી નવી પાર્ટનર છે. AdaniConneX ફ્લિપકાર્ટ માટે ડેટા સેન્ટર બનાવશે. આ સાથે જ અદાણી લૉજિસ્ટિક ફ્લિપકાર્ટ માટે 5,34,000 સ્ક્વેર ફૂટનું સેન્ટર બનાવશે. જેનાથી મુંબઈમાં હજારોની સંખ્યામાં રોજગાર ઉભા થશે.

જ્યારે ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ, અદાણી ગ્રુપ તેમના માટે ચેન્નઈ અને મુંબઈમાં સેન્ટર બનાવશે. જેના થકી ફ્લિપકાર્ટની ડિલીવરી સિસ્ટમ મજબૂત બનશે. ફ્લિપકાર્ટ અનુસાર, આ સમજૂતિથી લગભગ અઢી હજાર પ્રત્યક્ષ રોજગારી અને લાખો અપ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. આ સેન્ટર વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઓપરેશનલ થઈ શકે છે. આ સેન્ટરમાં અદાણી ગ્રુપની સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, દેશમાં ઈ-કૉમર્સનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. એક તરફ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોમાર્ટ થકી આ સેક્ટરમાં ઘૂસી ગયો છે અને અનેક શહેરોમાં પોતાની સર્વિસ આપી રહ્યાં છે. હવે અદાણી ગ્રુપે પણ ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવી લીધો છે.

(5:30 pm IST)