મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

કોરોનાકાળમાં પણ સરકારી બેન્‍કોમાં થાપણોનો ઢગલો થયોઃ ૫ વર્ષમાં ૫૦ ટકાની વૃદ્ધિઃ કુલ ડીપોઝીટ થઈ ૧૫૦ ટ્રીલીયન રૂપિયા

૧ વર્ષમાં બેન્‍કોની કુલ થાપણોમાં ૧૧.૩ ટકાનો વધારોઃ કોરોનામાં લોન કરતા થાપણની સ્‍પીડ ડબલ જોવા મળી

નવી દિલ્‍હી, તા. ૧૨ :. કોરોના સંકટમાં પણ બેન્‍કોમાં આવતી થાપણો ઘટી નથી, પરંતુ તે ૧૧ ટકા વધીને પહેલીવાર ૧૫૦ ટ્રીલીયન રૂપિયાને પાર કરી ગઈ છે. રીઝર્વ બેન્‍કે જારી કરેલા આંકડા અનુસાર ૨૬ માર્ચ ૨૦૨૧ સુધીમાં ભારતીય બેન્‍કોની ડીપોઝીટ ૧૫૦.૧૩ ટ્રીલીયન રૂપિયા રહી હતી. માત્ર ૫ વર્ષમાં જ બેન્‍કોની થાપણોમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૬માં ભારતીય બેન્‍કોની કુલ થાપણ ૧૦૦ ટ્રીલીયન રૂપિયા હતી.

આંકડાઓ અનુસાર છેલ્લા ૧ વર્ષમાં ભારતીય બેન્‍કોની કુલ થાપણોમાં ૧૧.૩ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૧માં કુલ થાપણ ૫૦ ટ્રીલીયન રૂપિયા હતા. રીઝર્વ બેન્‍કના રીપોર્ટ અનુસાર કોરોનાકાળમાં બેન્‍કોની થાપણ લોનની સ્‍પીડના મુકાબલે બમણા ઝડપથી વધી છે. ક્રેડીટ રેટીંગ એજન્‍સી કેયરએ પોતાના રીપોર્ટમાં કહ્યુ છે કે ઈકવીટી ફંડથી સતત ઉપાડ થઈ રહ્યો છે અને બેન્‍કોની થાપણ વધી રહી છે. ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્‍કમાં માર્ચ ૨૦૨૧ના અંતમાં સુધીમાં થાપણ ૧૬ ટકા વધીને ૧૩.૩૫ લાખ કરોડ થઈ ગઈ હતી. જ્‍યારે આ ગાળામાં લોન ૧૪ ટકા વધીને ૧૧.૩૨ લાખ કરોડ રૂા. થઈ ગઈ હતી.

સામાન્‍ય રીતે બેન્‍કોમાં લોનની સ્‍પીડ તેની થાપણના મુકાબલે વધુ રહે છે, પરંતુ કોરોનાકાળમાં આથી ઉંધુ થયુ છે. બેન્‍કોની લોન ગયા નાણાકીય વર્ષમાં માત્ર ૫.૫ ટકા વધી છે જ્‍યારે થાપણ ડબલ સ્‍પીડે વધી છે. નિષ્‍ણાંતોના કહેવા અનુસાર કોરોનાના કારણે રોકાણકારો બજાર અને અર્થતંત્રને લઈને અવઢવમાં છે તેથી બેન્‍કોમાં થાપણ તરીકે રકમ મુકી રહ્યા છે. નિષ્‍ણાંતોનું કહેવુ છે કે બેન્‍કોની થાપણ એ સ્‍થિતિમાં વધી જ્‍યારે બેન્‍કો ડીપોઝીટ પર વ્‍યાજ ઘટાડી રહ્યા છે.

(11:43 am IST)