મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

અગાઉ કોરોનામાંથી સાજા થયેલા દર્દી પૈકી ૨૦ થી ૩૦ ટકાને ફરી કોરોના થવાનુ જોખમ

નવી દિલ્હી,તા.૧૨ : દેશમાં કોરોનાની નવી લહેરે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ચિંતા વધારનારુ વધુ એક તારણ એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યુ છે.

ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિકસ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના એક નવા સ્ટડીમાં દાવો કવામાં આવ્યો છે કે, જે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હોય તેમના શરીરની અંદર કુદરતી રીતે ઈમ્યુનિટ સર્જાય છે અને તે થોડા સમય માટે બની રહે છે પણ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોય તેવા ૨૦ થી ૩૦ ટકા લોકોમાં ૬ મહિના બાદ આ ઈમ્યુનિટી રહેતી નથી.આમ આવા લોકો ફરી કોરોનાથી સંક્રમિત થાય તેવી શકયતા વધી જાય છે.

એક અંગ્રેજી અખબારે આ રિસર્ચ કરનાર સંસ્થાના ડાયરેકટર ડો.અનુરાગ અગ્રવાલના હવાલાથી પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, આ સંશોધનમાં ૬ મહિના લાગ્યા હતા અને તેમાં ખબર પડી છે કે, અગાઉ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોય અને દર્દી સાજો થયો હોય તો તેના શરીરમાં ઉત્પન્ન થતી ઈમ્યુનિટી બીજા ૬ મહિના સુધી દર્દીને કોરોના સામે ૮૦ ટકા રક્ષણ આપી શકે છે.અગાઉ સાજા થયેલા દર્દીઓ પૈકી ૨૦ થી ૩૦ ટકામાં આ ઈમ્યુનિટી ૬ મહિના પછી જોવા મળી નથી.

કદાચ આ સંશોધનના કારણે એ જાણવામાં મદદ મળશે કે અગાઉ મુંબઈ જેવા શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના ગ્રસ્ત થયા હતા અને આમ છતા બીજી લહેરમાં કેમ સંક્રમણથી રાહત મળી રહી નથી.

(9:58 am IST)