મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

બિહાર : પટણા મેડિકલ કોલેજની બેદરકારી : જીવતા દર્દીને મૃત જાહેર કર્યા : ડેથ સર્ટી. પણ બનાવી દીધું

મૃતદેહ પણ સોંપી દીધો : હવે તપાસનો ધમધમાટ

પટણા,તા.૧૨:  બિહારની સૌથી મોટી હોસ્પિટલ પટણા મેડિકલ કોલેજ એન્ડ સાયન્સ (પીએમસીએચ)ની ગંભીર બેદરકારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કર્મચારીઓએ કોરોનાગ્રસ્ત જીવિત દર્દીનું ડેથ સર્ટિફિકેટ બનાવી દીધું એટલું જ નહીં, પણ પરિવારજનોને બીજા મૃત દર્દીની લાશ પણ શોંપી દીધી. આ ગંભીર ભૂલ પરથી પડદો ત્યારે ઉઠ્યો કે જયારે દર્દીના પરિવારે મુખાગ્નિ આપતા પહેલા એક વખત મૃત દર્દીનો ચહેરો જોવાની માંગ કરી. ચહેરો જોતાં જ પરિવારજનો આઘાતમાં મૂકાઈ ગયા, કેમકે એ મૃતદેહ બીજા કોઈ દર્દીનો હતો.

જયારે આ વાત પર હંગામો થયો તો હોસ્પિટલ દ્વારા મૃતદેહને સ્મશાનેથી પાછો લઈ આવવા કહ્યું. હકીકતમાં, બિહારના બાઢ ગામના રહેવાસી ચૂન્નુને ૯ એપ્રિલે કોરોના થતા પીએચસીએચ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં એડમિટ કરાયો હતો. આ દરમિયાન પરિવારજનોને તેને મળવાની મંજૂરી નહોંતી અપાતી. રવિવારની સવારે ૧૦ કલાકે જણાવાયું કે, દર્દીની સ્થિતિ ખરાબ છે. તે પછી થોડી જ વારમાં ચૂન્નુને હોસ્પિટલે મૃત જાહેર કરી દીધો અને બધી જરૂરી કાર્યવાહી પૂરી કરી દીધી.

ચુન્નુના ભત્રીજા મનીષે જણાવ્યું કે, જયારે અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા તો તેમનો ચહેરો બતાવાયો નહીં. તેમને કહેવાયું કે, ચૂન્નુના મૃતદેહને સ્મશાને મોકલવામાં આવી રહ્યો છે. સ્મશાને જયારે ચહેરો જોયો તો જાણવા મળ્યું કે, આ તો કાકાનો મૃતદેહ નથી. હકીકત એ છે કે, ચુન્નુ હજુ જીવિત છે અને તેની સારવાર ચાલી રહી છે.

આ મામલે તપાસના આદેશ અપાયા છે. પટણાના જિલ્લાધિકારીએ ડો. ચંદ્રશેખર સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે આ મામલે જવાબદારી નક્કી કરવા અને દોષી સામે કડક કાર્યવાહી કરી ૨૪ કલાકમાં જવાબ આપવા પીએચસીએચના વહિવટી તંત્રને જણાવ્યું છે.

(9:57 am IST)