મુખ્ય સમાચાર
News of Friday, 12th April 2019

ભારતના બંધારણ વિરુધ્ધ , ઉશ્કેરણીજનક ,અને કોમવાદી વિધાનો કરતા મહેબુબા મુફ્તી,ઓમર અબ્દુલ્લા,તથા ફારૂક અબ્દુલ્લા માટે ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકો : દિલ્હી હાઇ કોર્ટમાં કરાયેલી પિટિશન નામંજૂર : ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરવા જસ્ટિસ શ્રી એસ.રવિન્દ્ર ભટ્ટ,તથા શ્રી પ્રતીક જલનની ડિવિઝન બેન્ચનો આદેશ

ન્યુદિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી મહેબુબા મુફ્તી,ફારૂક અબ્દુલ્લા,તથા ઓમર અબ્દુલ્લાને ચૂંટણી લડતા અટકાવવા માટે દાખલ કરાયેલી પિટિશન નામંજૂર કરાઈ છે.તથા બાબતે ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરવા જણાવાયું છે.

દિલ્હી હાઇકોર્ટમાં  કરાયેલી અરજીમાં જણાવાયા મુજબ ત્રણે આગેવાનોએ ભારતના બંધારણ વિરુધ્ધ તથા ઉશ્કેરણીજનક અને કોમવાદી વિધાનો કરેલા છે.તેથી તેઓને ચૂંટણી લડતા અટકાવવા જોઈએ જેના અનુસંધાને જસ્ટિસ શ્રી એસ.રવિન્દ્ર ભટ્ટ,તથા શ્રી પ્રતીક જલનની ડિવિઝન બેન્ચે બાબતે ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરવાનું જણાવતા અરજી પછી ખેંચાઈ છે.

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પૂર્વ સી.એમ.મહેબૂબા  મુફ્તીએ મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરમાં જો આર્ટિકલ 370 રદ થાય તો ત્યાં પેલેસ્ટાઇન જેવી સ્થિતિ સર્જાશે તથા 4 એપ્રિલના રોજ જો કલમ 35 સાથે છેડછાડ થશે તો ભારતે 1947 પછી જોયેલી સ્થિતિ જોવાના સંજોગો આવશે તેવા ઉશ્કેરણીજનક,તથા કોમી તંગદિલી ફેલાવતા નિવેદનો કર્યા હોવાની રજુઆત કરાઈ હતી.

ઉપરાંત કાશ્મીરના પૂર્વ સી.એમ.અને પૂર્વ એમ.પી.ઓમર અબ્દુલ્લા,તથા તેમના પિતા પૂર્વ સી.એમ.તથા એમ.પી.ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રાઈમ મિનિસ્ટર હોવા જોઈએ તેવું વિધાન કર્યું હતું

પિટિશનમાં જણાવાયા મુજબ કાશ્મીરની 2 મુખ્ય રાજકીય પાર્ટી જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોંગ્રેસ,તથા જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી મુસ્લિમ બહુમતી ધરાવતા સ્ટેટને ભારતથી અલગ કરવાની વેતરણમાં હોવા અંગે રજુઆત કરાઈ હતી તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)