મુખ્ય સમાચાર
News of Friday, 12th April 2019

અમેરિકા ભણવા ઈચ્છુક ભારતના ૧૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

અમેરિકામાં ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે ચેતવા માટે તાકીદ કરી

અમેરિકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે સલાહ આપી છે કે, તેઓ જે યુનિવર્સિટીમાં ભણવા માગે છે, ત્યાં જતા પહેલા ચેક કરી લો કે કયાંક તેઓ છેતરપિંડીનો ભોગ તો નથી બની રહ્યા ને. ગત ત્રણ મહિનામાં આશરે ૧૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા, જયારે તેમને સમજાયું હતું કે જે યુનિવર્સિટીમાં તેમણે ફોર્મ ભર્યું હતું, તે હકીકતમાં ફ્રોડ છે.

દૂતાવાસ તરફથી આપવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું છે કે, આવા વિદ્યાર્થીઓ ૩ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલી એ કે યુનિવર્સિટી કોઈ કેમ્પસમાં ચાલી રહી છે કે પછી માત્ર એક રૂમમાં ચાલી રહી છે કે પછી તે માત્ર વેબસાઈટ પર ચાલી રહી છે. બીજી વાત એ છે કે શું તેની પાસે ટીચરો છે અને ત્રીજી વાત એ છે કે, યુનિવર્સિટીમાં શું ભણાવવામાં આવશે અને ત્યાં રેગ્યુલર કલાસ ચાલે છે કે નહીં. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આવી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ ચુકેલા વિદ્યાર્થીઓની પાસે ભલે રેગ્યુલર સ્ટુડન્ટ વિઝા હોય, પરંતુ તેઓ કાયદાની જંજાળમાં ફસાઈ શકે છે અને તેમણે અમેરિકાથી પાછા ફરવું પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલા અમેરિકી પ્રશાસને પે ટુ સ્ટે વિઝા રેકેટનો પર્દાફાશ કરીને ૧૨૯ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીઓએ ફ્રોડ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો હતો. ભારતીય દૂતાવાસના પ્રવકતા શંભુ હક્કીએ જણાવ્યું હતું કે, એ સુનિશ્ચિત કરવા માટે કે ભારતીય વિદ્યાર્થીઓ કોઈ જાળમાં ન ફસાય, આ સલાહ આપવામાં આવી છે. અમેરિકી યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે.

(4:27 pm IST)