મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

ઇન્ડીયન સીનીયર્સ ઓફ શિકાગોના સભ્યોએ વેલેન્ટાઇન ડે તથા બર્થડેની રંગેચંગે કરેલી ઉજવણીઃ સંસ્થાના પ્રમુખ ડો.નરસિંહભાઇ પટેલે જાપાન અને દક્ષિણ કોરીઆના દેશોનો આગામી પ્રવાસ અંગે આપેલી માહિતીઃ ડો.રસિકભાઇ શાહે સિનીયર ભાઇ બહેનોને જીવનમાં ઉપયોગી નિવડે તે અંગે મોક્ષ માટેનો હાઇવે પર સુંદર પ્રવચન આપ્યુઃ વેલેન્ટાઇડેની ઉજવણીના પ્રસંગે અરવિંદભાઇ કોટકે જણાવ્યું હતું કે આ સ્નેહ અને પ્રેમ આધારિત ઉત્સવ છે અને તેમાં ઉમરનું કોઇ પણ પ્રકારનું બંધન હોતું નથીઃ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુપેન્દ્ર સુથારે સફળતા પુર્વક કર્યુ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સીનીયરોના ઉત્કર્ષ તથા હિતાર્થે બેન્સનવીલે પરગણામાં ઘણાં લાંબા વર્ષથી ઇન્ડીયન સીનીયર્સ ઓફ શિકાગો નામની સંસ્થા ચાલે છે અને તેના સભ્યોની માસિક સભા ફેબ્રુઆરી માસની નવમી તારીખને શનિવારે બેન્સનવીલે ટાઉનમાં આવેલ માનવ સેવા મંદિરમાં યોજવામાં આવી હતી. આ વેળા સંસ્થાના ૨૧૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

માસિક સામાન્ય સભાની શરૂઆતમાં કારોબારી સમિતિના સભ્યો ભુપેન્દ્ર સુથાર તથા હેમાબેન શાસ્ત્રી અને અન્ય બહેનોએ સામુહીક રીતે પ્રાર્થના ગાઇ હતી અને ત્યાર બાદ ભાઇઓ તથા બહેનોએ હનુમાન ચાલીસા ગાવામાં સાથ આપ્યો હતો ત્યારબાદ ડો હેમલતા રાણાએ સુંદર ભજન રજુ કર્યુ હતું.

આજના દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો આરંભ થયો હતો અને શરૂઆતમાં અરવિંદભાઇ કોટકે આ પ્રસંગે સુંદર માહિતી સૌ સભ્યોને આપતા જણાવ્યું હતું કે આ દિવસ પ્રેમ આધારિત ઉત્સવનો દિન છે. અને તેની ઉજવણીમાં કોઇ પણ પ્રકારના ઉમરનું બંધન નડતું નથી. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વિશ્વના જુદાજુદા દેશોમાં આ દિનની રંગેચંગે ઉજવણી થાય છે અને તે પ્રસંગે અરસપરસ એક બીજાને ભેટ અને ફલાવર આંપતા હોય છે અને સર્વે લોકો તેની મજા માણે છે.

સંસ્થાના અગ્રણી સભ્ય ડો.રસિકભાઇ શાહે સીનીયર ભાઇ બહેનોને પોતાના જીવનમાં ઉપયોગી થાય તેવા વિષય મોક્ષ માટેનો હાઇવે પર સુંદર પ્રવચન આપ્યું હતું અને તમામ સભ્યોએ તે શાંતિથી સાંભળ્યુ હતું. નલીનીબેન શાહે આગામી માર્ચ મહિનામાં જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેની માહિતી સૌ સભ્યોને આપી હતી. તથા મનહરભાઇ ઠકકરે શિસ્ત અંગે તમામ સભ્યોને સુચના આપી અને એકયુપ્રેશર અંગે પણ સૌ સભ્યોને માહિતગાર કર્યા હતા.

આ સંસ્થાના પ્રમુખ ડો.નરસિંહભાઇ પટેલે સૌ સભ્યોને આવકાર આપી સર્વે લોકો સંસ્થાના વિકાસમાં જે સહયોગ આપી રહ્યા  છે તે બદલ સૌનો આભાર માન્યો હતો અને આ સંસ્થા દ્વારા જાપાન અને દક્ષિણ કોરિયાના યોજાનાર દેશોનો પ્રવાસ અંગે જરૂરી માહિતીઓ આપી હતી અને હાલમાં ત્રણ બસોના પેસેન્જરો આ પ્રવાસમાં જોડાયેલા છે અને બીજા કેટલાક સભ્યો હજુ પણ જોડાઇ રહેલ છે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

કારોબારી સમિતિના સભ્ય અરવિંદભાઇ કોટક તથા ભુપેન્દ્ર સુથારે જે સભ્યો ફેબ્રુઆરી માસ દરમ્યાન બર્થ ડે આવતી હોય તે સર્વેને બોલાવી આજના મુખ્ય મહેમાન જગદીશભાઇ સુથારના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમાં જે કપલોનો પોતાની ભાવના અને લાગણીઓ પ્રદર્શીત કરવી હોય તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં (૧)નવીનભાઇ અને કોકીલાબેન (૨)અશ્વિનભાઇ અને ગીતા દેસાઇ (૩)યોગેશભાઇ અને અંજના દેસાઇ (૪) ભુપેન્દ્ર અને ગીતા સુથાર (૫)જગદીશ અને મંજુલા સુથાર (૬)ભરતભાઇ અને રીટાબેન ગાંધીનો સમાવેશ થતો હતો.

અંતમાં સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ વિખુટા પડ્યા હતા.

(7:59 pm IST)