મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

રાફેલ ડિલ ઉપર ઘમસાણ વચ્ચે કેગનો અહેવાલ રજૂ

રાફેલ મુદ્દે બંને ગૃહોમાં ભારે ધાંધલ ધમાલ : લોકસભા તેમજ રાજ્યસભા બંનેમાં રિપોર્ટ રજૂ : કોંગ્રેસ દ્વારા જેપીસીની ફરીથી માંગ : આજે વર્તમાન સત્ર પરિપૂર્ણ

નવી દિલ્હી, તા. ૧૨ : રાફેલ ડિલને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે આજે કેગ દ્વારા રિપોર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલામાં પત્રકાર પરિષદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરીવાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે આ મામલામાં જેપીસી પાસેથી તપાસ કરાવવાની ફરી વાર માંગ કરી હતી. આજે સંસદની કાર્યવાહી દરમિયાન ભારે ધાંધલ ધમાલ થઇ હતી. રાફેલના મુદ્દા ઉપર હોબાળો જારી રહ્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખગડેએ જેપીસી તપાસની માંગ ફરીવાર દોહરાવી હતી. આના ઉપર કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મામલામાં કોઇપણ બાબત રહેતી નથી. જેપીસી તપાસને લઇને કોઇ અર્થ નથી. સંસદના બંને ગૃહોમાં આજે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદનું સત્ર આવતીકાલે પૂર્ણ થઇ રહ્યું છે. વર્તમાન લોકસભાની અવધિમાં આ અંતિમ સત્ર છે. એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજનાર છે. રાફેલડિલને લઇને આક્ષેપબાજીનો દોર જારી રહ્યો છે. રાફેલ ડિલમાં કૌભાંડ અને ગેરરીતિના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે કેગે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. કેગે રાફેલ ઉપર ૧૨ ચેપ્ટરમાં રિપોર્ટ તૈયાર કર્યો છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા અહેવાલો પણ આમા રજૂ કરવામાં આવ્યા છે. કેગે પોતાના રિપોર્ટની એક કોપી રાષ્ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર ૧૨ ચેપ્ટરને લઇને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ ઉપર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપોર્ટ કેગને સોંપવામાં આવ્યો હતો જેમાં ખરીદી પ્રક્રિયાની વિગત અને ૩૬ વિમાનોની કિંમતોની પણ માહિતી આપવામાં આવી છે. કેગનો આ રિપોર્ટ ખુબ વિસ્તૃત છે જેને પ્રોટોકોલ હેઠળ સૌથી પહેલા રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિ ભવન તરફથી કેગનો અહેવાલ લોકસભા સ્પીકરની ઓફિસ અને રાજ્યસભાના ચેરમેનની ઓફિસમાં મોકલવામાં આવશે.

સોમવારના દિવસે કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પક્ષ તરફથી રાફેલ મંત્રણાનું નેતૃત્વ કરનાર એરમાર્શલ સિંહાના જવાબનો ઉલ્લેખ કરાયો છે. એક પોઇન્ટનો સાબિત કરવા માટે કેટલાક નોટ પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમે પોતાના અંતિમ રિપોર્ટ સોંપી દીધા છે.  સરકારે ફ્રાંસની કંપની પાસેથી ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યા બાદથી જ હોબાળોથયેલો છે. કોંગ્રેસ પાર્ટીના આક્ષેપો છે કે, આમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. પર્વ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ કહી ચુક્યા છે કે, આમા વ્યાપક વિરોધાભાષ દેખાય છે. કેગના વડા રાજીવ મહર્ષિ ડિલની ઓડિટ કરવાથી પોતાને દૂર કરી ચુક્યા છે. 

રિલાયન્સ ડિફેન્સે આખરે રાહુલના આક્ષેપ ફગાવ્યા

સૂચિત એમઓયુ રાફેલ અંગે નથી

         નવીદિલ્હી, તા. ૧૨ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દે આજે નવેસરથી આક્ષેપ કર્યા બાદ રિલાયન્સ ડિફેન્સે આ આક્ષેપોને રદિયો આપ્યો હતો. રિલાયન્સ ડિફેન્સે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા ઇમેઇલમાં રહેલા સૂચિત એમઓયુ રાફેલ અંગે નથી. એરબસ હેલિકોપ્ટરના સંદર્ભમાં દેખાય છે. ફાઇટર જેટ કોન્ટ્રાક્ટ સાથે તેને કોઇ લેવા દેવા નથી. રાહુલે અગાઉ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. રિલાયન્સ ડિફેન્સના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, એરબસ અને રિલાયન્સ ડિફેન્સ વચ્ચે ચર્ચાનો ઉલ્લેખ રાહુલ દ્વારા કરવામાં આવ્યો છે. રાહુલે ૨૮મી માર્ચ ૨૦૧૫ના દિવસે ઇમેઇલને મિડિયા સમક્ષ રજૂ કર્યો છે.

(7:47 pm IST)