મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

રાફેલ મામલે CAGનો રિપોર્ટ સંસદમાં: કોંગ્રેસની JPCની માંગ

રાફેલ અંગે મચેલી ધબધબાટી વચ્ચે કેગનો રિપોર્ટ રજુ : બંને ગૃહમાં રખાયો વિસ્તૃત રિપોર્ટ : ખડગેએ દોહરાવી JPCની માંગ : રાહુલે કેગના રિપોર્ટને 'ચોકીદાર ઓડિટર જનરલ' રિપોર્ટ ગણાવ્યો : વર્તમાન CAG મહર્ષિ પાસે સાચા રિપોર્ટની અપેક્ષા રાખી ન શકાય

નવી દિલ્હી તા. ૧૨ : રાફેલ મુદ્દા પર ચાલી રહેલા રાજકીય હોબાળા વચ્ચે આજે સંસદમાં કેગનો રિપોર્ટ રજુ કરવામાં આવી છે. કોંગ્રેસ તેની તપાસ જેપીસી કરાવા પર અડગ છે. રાફેલ પર કોંગ્રેસ સભ્યોના હોબાળાના કારણે લોકસભામાં અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. સંસદના બંને ગૃહોમાં લોકસભા અને રાજ્યસભામાં રાફેલ ડીલનો વિસ્તૃત રીપોર્ટ રજુ કરવામાં આવ્યો.

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વિરોધ કરવાના કોંગ્રેસ સભ્યોના વલણ પર નારાજગી વ્યકત કરીને તેને સ્તરહીન ગણાવ્યું. આજે સવારે ગૃહ શરૂ થવા પર લોકસભા અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરાવ્યો. કોંગ્રેસના સભ્યો રાફેલ વિમાન કરારમાં જેપીસી તપાસની માંગ સાથે ભારે વિરોધ કરીને નારેબાજી કરવા લાગ્યા.

આ બધાની વચ્ચે કોંગ્રેસ સભ્યોની નારેબાજી તેજ બની અને તેઓ થોડાક સમય પહેલા એક અખબારમાં પ્રકાશિત રાફેલ મામલા સાથે સંબંધિત ખબરની પોસ્ટ આકારની પ્રતિઓ સદનમાં દેખાડવા લાગ્યા. કોંગ્રેસ સભ્યોનો આ વ્યવહાર પર નારાજગી વ્યકત કરીને અધ્યક્ષ મહાજને કહ્યું કે, જવાબદાર વિપક્ષ તરીકે તેમનું આ આચરણ યોગ્ય નથી.

રાફેલ ડીલ પર મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે કેગનો રીપોર્ટ રજુ કરાયા બાદ લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જેપીસી તપાસની માંગ કરી. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આ મામલે કાંઇ પણ બચ્યું નથી. જેપીસી તપાસની માંગ કરવી એ યોગ્ય નથી.

રાહુલે કેગના રીપોર્ટને 'ચોકીદાર ઓડિટર જનરલ' રીપોર્ટ ગણાવ્યો અને વિરોધ વ્યકત કર્યો. આ પહેલા રાફેલ ડીલમાં કીથત કૌભાંડ અને ગરબડીના કોંગ્રેસ પક્ષના આરોપો વચ્ચે કેગે તેમનો રીપોર્ટ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ રાફેલ ડીલ અંગે સરકાર પર હુમલાવર છે. ખરેખર, કેગ તેમના એક રીપોર્ટની કોપી રાષ્ટ્રપતિની પાસે અને બીજી કોપી નાણા મંત્રાલય પાસે મોકલે છે. જાણવા મળી રહ્યું છે કે કેગે રાફેલ પર ૧૨ ચેપ્ટર લાંબો વિસ્તૃત રીપોર્ટ તૈયાર કર્યો છે. (૨૧.૨૪)

રાફેલ પર કેગ રિપોર્ટમાં કિંમતનો ઉલ્લેખ નહી !

નવી દિલ્હી તા. ૧૨ : રાફેલ ડીલ પર વિપક્ષના સતત હુમલા વચ્ચે આજે સંસદમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેગ ફકત રાફેલ જ નહીં પણ વાયુ સેનાની ૧૧ ડીલ પર પોતાનો રિપોર્ટ આપશે.

આ રિપોર્ટમાં રાફેલ ફાઈટર પ્લેનની વાસ્તવિક કિંમત અંગે કોઈ ઉલ્લેખ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાફેલ ડીલ તો કેગના રિપોર્ટનો એક ભાગ જ છે. કેગ દ્વારા એક સાથે અત્યાર સુધીના વાયુસેનાના ૧૧ સંરક્ષણ સોદાની ઓડિટ કરવામાં આવેલ છે. આ રિપોર્ટમાં રક્ષા ખરીદીના તમામ પેરામીટરના આધારે રાફેલ ડીલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કેગે ડિફેન્સ ડીલનું એક તુલનાત્મક મૂલ્યાંકન કર્યું છે.

(3:29 pm IST)