મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

લાઠી-ગોળી ખાઇને પણ ૨૧ ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરીશું : શંકરાચાર્ય

જરૂર પડે જેલમાં જવા પણ તૈયાર છીએ

અયોધ્યા તા. ૧૨ : દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ સ્વયં રામમંદિરના નિર્માણ માટે પહેલ કરશે. ૧૭ ફેબ્રુઆરીના રોજ હું પ્રયાગથી અયોધ્યા કૂચ કરી જઇશ. ર૦ ફેબ્રુઆરીએ એક વિરાટ સભા યોજાશે અને ર૧મી ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ દરમિયાન અમને જો કોઇ રોકવાનો પ્રયાસ કરશે તો અમે લાઠી અને ગોળી ઝીલવા પણ તૈયાર છીએ.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ તો સતત આવતી રહે છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. હવે લોકસભાની ચૂંટણી યોજાશે, પરંતુ અમે અયોધ્યાના શિલાન્યાસનો કાર્યક્રમ કોઇ પણ સંજોગોમાં મોકૂફ રાખીશું નહીં. જરૂર પડે જેલમાં જવા પણ તૈયાર છીએ.

શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભકતોને એક એક ઇંટ સાથે અયોધ્યામાં આયોજિત શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચવા અપીલ કરી છે. શંકરાચાર્યનો દાવો છે કે અમને અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને તેઓ પણ અમારી સાથે અયોધ્યા કૂચ કરી જશે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદે જણાવ્યું હતું કે અમે અયોધ્યા જઇશું અને ગર્ભગૃહમાં ચાર શિલાઓ રાખીશું. અમે સવિનય કાનૂન ભંગ કરીશું. આ યાત્રાને રામ આગ્રહ માટે અયોધ્યા પ્રસ્થાન નામ આપવામાં આવ્યું છે. સત્યાગ્રહની પેટર્ન પર જ રામ આગ્રહ કરાશે. તેેમણે જણાવ્યું હતું કે કોઇ પણ પક્ષ હોય તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી સપા હોય, કોઇ પણ પક્ષ મંદિર તો શું મસ્જિદ, ગુરૂદ્વારા કે ચર્ચ પણ બનાવી શકે તેમ નથી.(૨૧.૨૭)

(3:26 pm IST)