મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

કાલે વિપક્ષોનું ''તાનાશાહી હટાઓ- લોકતંત્ર બચાઓ'' સત્યાગ્રહ

આમ આદમી પાર્ટીના સર્મથનમાં જંતર- મંતર પર વિપક્ષી નેતાઓનો જમાવડો થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ વિરૂધ્ધ આમ આદમી પાર્ટી વિપક્ષોને એકજુટ કરવાની કોશીશ કરી રહી છે. આપ નેતાઓએ જણાવેલ કે મોદી અને શાહની જોડી વિરૂધ્ધ દેશભરમાં વિપક્ષ પાર્ટીઓ અવાજ ઉઠાવી રહી છે.

આ અનુસંધાને કાલે આખો વિપક્ષ જંતર- મંતર ખાતે એકત્ર થશે. આ માધ્યમથી તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાઓ નમક સત્યાગ્રહ શરૂ કરાશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ સાથે સંપર્ક સાધવાનું કામ ચાલી રહ્યુ છે. મમતા આજે દિલ્હી પહોંચનાર છે અને ગુરૂવાર સુધી તેઓ રાજધાનીમાં જ રોકાય તેવી શકયતા છે.

આપના પ્રદેશ સંયોજક અને શ્રમમંત્રી ગોપાલ રાયે સોમવારે સંવાદદાતા સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપર જોરદાર પ્રહારો કરેલ. તેમણે જણાવેલ કે કેન્દ્ર સરકારે વિપક્ષી પાર્ટીઓને કચડવાનું અને લોકતંત્રને ખતમ કરવાનું કામ કર્યુ છે. દેશ તેમનાથી છુટકારો મેળવવા માંગે છે. આ બંન્ને (નરેન્દ્રભાઈ- અમિતભાઈ) વિરૂધ્ધ દેશભરમાં વિપક્ષો દ્વારા અવાજ ઉઠતો રહયો છે. આ મુહિમમાં જ કાલે વિપક્ષો જંતર- મંતરે ભેગા થશે.

ગોપાલ રાયે વધુમા જણાવેલ કે દેશભરમાં ભાજપ વિરૂધ્ધ જે માહોલ છે તેને જોતા અલગ- અલગ રાજયોની અલગ- અલગ પાર્ટીઓ આ મુહિમને લઈને આગળ વધી રહી છે. આ સત્યાગ્રહને આગળ વધારવાનું કામ આમ આદમી પાર્ટીઓ પોતાના ખભે લીધુ છે કેમ કે લોકસભા ચૂંટણી નજીક છે અને તે જોતા આપના બધા ધારાસભ્યો અને કોર્પોરેટરો પોત- પોતાના વિસ્તારમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઈની હકીકત બતાવવાનું કામ શરૂ કરી દીધુ છે.

(3:26 pm IST)