મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

રાફેલ ડીલ પૂર્વે અનિલ અંબાણી ફ્રાંસના સંરક્ષણ અધિકારીઓને મળ્યા હતા : નવો ખુલાસો

અંબાણીની મુલાકાત બાદ મોદીએ રાફેલ ખરીદીનું એલાન કર્યું હતું

નવી દિલ્હી, તા. ૧ર : માર્ચ ર૦૧પના છેલ્લા સપ્તાહમાં અનિલ અંબાણી તત્કાલીન ફ્રેંંચ રક્ષા પ્રધાન જીન-વી લી ડ્રાયનનો પેરિસ ખાતે આવેલ ઓફીસે ગયા હતા અને તેમના મુખ્ય સલાહકારો સાથે મુલકાત કરી હતી. તેના ૧પ દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ એરક્રાફટ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. અંબાણી સાથેની મીટીંગમાં ફ્રેંચ રક્ષામંત્રીના સ્પેશ્યલ સલાહકાર જીન કલોડ મૈલેટ, તેમના ઔદ્યોગિક સલાહકાર ક્રિસ્ટોફી સોલોમન અને ઇન્ડસ્ટ્રીયલ એફેર્સ માટેના ટેકનીકલ એડવાઇઝર જયોફ્રી બુકેટ પણ શામેલ હતા. સોલોમને એક યુરોપિયન ડીફેન્સ કંપનીના ઉચ્ચ અધિકારીને અંબાણી સાથેની આ મીટીંગને 'ગુપ્ત અને કલ્પના પ્રમાણે એકદમ ઓછા સમયમાં આયોજીત' ગણાવી હતી.

મીટીંગની માહિતી ધરાવતા એક અધિકારી અનુસાર અંબાણીએ એરબસ હેલિકોપ્ટર્સની સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે અંબાણીએ આ મીટીંગમાં એક એમઓયુની વાત કરી, 'જે તૈયાર થઇ રહ્યું હતું અને તેના પર વડાપ્રધાનના પ્રવાસ દરમ્યાન હસ્તાક્ષર થવાના હતા.' જણાવી દઇએ કે જયારે અંબાણીએ ત્યારના ફ્રેંચ રક્ષા પ્રધાનની ઓફીસની મુલાકાત લીધી હતી, ત્યારે બધાને એ માહિતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૦૧પની ૯ એપ્રિલથી ૧પ ની વચ્ચે ફ્રાંસના પ્રવાસ પર હશે.

અંબાણી વડાપ્રધાનના પ્રવાસમાં પ્રતિનિધિ મંડળમાં શામેલ હતા, જયારે ૩૬ લડાયક વિમાનોના સોદાની જાહેરાત મોદી અને ફ્રેંચ રાષ્ટ્રપતિ દ્વારા કરાઇ હતી. બંને તરફથી એક જોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને આ વાતની જાહેરાત કરાઇ હતી. સંયોગ એવા છે કે અંબાણી અને ફ્રેંચ ઓફીસરોની મુલાકાત થઇ તેજ અઠવાડીયે એટલે કે ર૮ માર્ચ ર૦૧પ ના દિવસે રિલાયન્સ ડીફેસની શરૂઆત થઇ.

 

(11:16 am IST)