મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

એપ્રિલ મહિનામાં તુવેરની દાળના ભાવ ૧૦૦ રૂપિયે કિલો પહોંચશે?

દુકાળ જેવી સ્થિતિને કારણે ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદન ૪૦ ટકા ઓછું: આયાત પર પ્રતિબંધ હોવાથી ભાવમાં થશે જંગી વધારો

મુંબઇ તા.૧૨: દેશનાં અનેક રાજ્યોમાં દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થવાની તુવેર અને અડદધની દાળનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ૪૦ ટકા ઓછું થયું છે. બીજી તરફ સરકાર તરફથી તુવેરદાળની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને પરિણામે અત્યારે ૭૫થી ૮૦ રૂપિયે કિલોના ભાવે મળતી તુવેરદાળના ભાવ એપ્રિલમાં ૧૦૦ રૂપિયા કિલો થવાના નિર્દેશ નવી મુંબઇના વાશીમાં આવેલી APMC (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) માર્કેટના દાણાબંદરમાંથી મળી રહ્યાં છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષથી તુવેરની દાળના ભાવ વિવાદમાં રહ્યા છે. સરકારનાં અનેક નિયંત્રણો પછી પણ ૨૦૧૪ના લોકસભાના ઇલેકશન પછી દાળના ભાવ ૨૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા હતા. તુવેરની દાળનો આપણા દેશમાં સૌથી વધુ વપરાશ થાય છે. આપણા દેશમાં ૪૩ ટકા લોકો વેજિટેરિયન હોવાથી તેમના ખોરાકમાં તુવેરની દાળ અતિ મહત્વની રહી છે. આ દાળનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ છે જેમાંથી મહારાષ્ટ્ર, અને કર્ણાટક તુવેરદાળનાં ઉત્પાદનમાં અગ્રણી છે. જો કે ૨૦૧૮માં વરસાદની અછતને કારણે દાળના પાકને જબરૂ નુકસાન થયું હતું. અત્યારે દુકાળ જેવી પરિસ્થિતિ હોવાથી તુવેરની દાળનું ઉત્પાદન ઓછું થવાની પૂરી સંભાવના છે. આ સીઝનમાં તુવેર અને અડદનો અંદાજે ફકત ૨૦ લાખ ટન પાક થયો છે. મહારાષ્ટ્રના માર્કેટિંગ ખાતાના પ્રધાન સુભાષ દેશમુખે હમણાં જ આ વર્ષે તુવેરદાળનું ઉત્પાદન ઓછું થવાની શંકા દર્શાવી હતી.

આપણા દેશનાં કુલ ઉત્પાદનની સામે તુવેરદાળની ડિમાન્ડ ઘણી વધુ છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે 'અત્યારે તો માર્કેટમાં દાળના ભાવ સ્ટેબલ છે, પરંતુ આ સીઝનમાં મહારાષ્ટ્રના લાતુરમાં દુકાળ જેવી સ્થિતિ હોવાથી ઉત્પાદન ઓછું થવાથી માર્કેટમાં સ્ટોકની પરિસ્થિતિ પણ ડામાડોળ થઇ ગઇ છે.

અમને મળી રહેલા આંકડા પ્રમાણે દેશની સૌથી મોટી ૨૦ બજારોમાં ગયા અઠવાડિયે ૪૦૦૦ ટન રોજની દાળની આવકની સામે ફકત ૩૦૦૦ ટન આવક રહી હતી. આમ એક જ અઠવાડિયામાં આવકમાં રપ ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકાર પાસે પણ સ્ટોક છે એની પર પણ અસર થશે જેને પરિણામે દાળના ભાવ એપ્રિલ મહિના સુધીમાં ૧૦૦ રૂપિયા કિલો થઇ જાય તો નવાઇ નહીં. દાળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે હમણાંથી જ જરૂરી પગલાં લેવા પડશે.'(૧.૪)

(10:20 am IST)