મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

પ્રિયંકાના રોડ શોમાં અનેક કોંગીજનોના ખિસ્સા કપાયા : ૫૦ લોકોના મોબાઇલ ગુમ

ભીડનો ભરપૂર લાભ ઉઠાવ્યો ખિસ્સાકાતરૂઓએ

લખનઉ તા. ૧૨ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનઉમાં રોડ શો કર્યો હતો. ૧૨ કિલોમીટર લાંબા રોડ શોમાં હજારો કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકરો તેમના સ્વાગત માટે ઉમટ્યા હતાં. દરેક પોતાના પ્રિય નેતાની એક ઝલક મેળવવા માટે આતુર હતાં. જોકે, ખિસ્સા કાતરુઓએ આ ભીડનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસી નેતાઓના મોંઘાદાટ મોબાઈલ ફોન પર હાથ સાફ કર્યો હતો. કેટલાક નેતાઓના રુપિયાઓ પણ સેરવ્યાં હતાં.

આ વિશે જયારે નેતાઓને ખબર પડી તો પોલીસ પર લાપરવાહીનો આરોપ લગાવીને ધરણા પર બેઠા હતાં. એક રિપોર્ટ અનુસાર કન્નૌજ અને બારાબંકીથી આશરે બે ડઝન નેતાઓ રોડ શોમાં લખનઉ આવ્યાં હતાં. ખિસ્સા કાતરુઓએ લાગ જોઈ તેમના મોંઘા મોબાઈલ ફોન સેરવી લીધાં હતાં.

એક નેતા શાન અલ્વીનો દાવો છે કે તેમના ફોનની કિંમત સવા લાખ રુપિયા હતી. ચોરોએ અનેક નેતાઓના પર્સમાંથી હજારો રુપિયા, ડ્રાઈવિંગ લાઈસન્સ અને એટીએમ કાર્ડ સહિત તમામ જરૂરી દસ્તાવેજો પણ તફડાવ્યાં હતાં.

મોબાઈલ અને રોકડની ચોરીથી નારાજ કોંગ્રેસીઓએ એક કિશોરને પકડીને ધોલાઈ કરી હતી. તેના પર ચોરીનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશન પહોંચેલા કોંગ્રેસીઓ ધરણા પર બેસી ગયાં હતાં. નેતાઓનું કહેવું હતું કે પકડાયેલા કિશોરે પોતાના અન્ય સાથીઓના નામ પણ કબૂલ્યાં હતાં. જે પછી પણ પોલીસે પકડવાની કોશિશ કરી નહોતી. આ પછી પોલીસની સમજાવટથી નેતાઓ શાંત પડ્યાં હતાં.(૨૧.૪)

 

(9:51 am IST)