મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

પ્રિયંકાની એન્ટ્રીથી સપા - બસપા ઢીલાઢફઃ ગઠબંધન માટે તૈયારી : ૧૪ બેઠકોની કરી ઓફર

હાલ સપા - બસપાએ ૩૮-૩૮ બેઠકો વ્હેચી લીધી છે હવે બાંધછોડ માટે તૈયાર

લખનૌ તા. ૧૧ : પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક નવો જ ટ્વિસ્ટ આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે પુનર્વિચાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી કોંગ્રેસને ૧૪ બેઠકની ઓફર આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે પાર્ટીને સપા અને બસપા તરફથી ઓછામાં ઓછી ૩૦ બેઠક મળવાની આશા છે.

નોંધનીય છે કે માયાવતી અને અખિલેશ યાદવે ૧૨મી જાન્યુઆરીના રોજ આગામી લોકસભાની ચૂંટણીને લઈને સપા અને બસપા વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓએ ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકોમાંથી ૩૮-૩૮ બેઠક વહેંચી લીધી હતી. જયારે બે બેઠક તેમણે કોંગ્રેસ માટે છોડી દીધી હતી. આ બંને બેઠકમાં રાયબરેલી અને અમેઠીનો સમાવેશ થાય છે.

અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી જયારે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી સાંસદ છે. કોંગ્રેસ સાથે બે બેઠક છોડ્યા બાદ બંનેએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે કોંગ્રેસ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરે.

પ્રિયંકા ગાંધી વડ્રાને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી મળ્યા બાદ પ્રદેશના રાજકારણમાં ભારે ફેરબદલ જોવામાં આવી રહી છે. સમાચાર આવ્યા હતા કે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી બાદ સપા અને બસપાએ પોતાની રણનીતિ બદલી છે. સમાચાર મળ્યા છે કે પ્રિયંકા ગાંધી ફેકટરની અસરની ગણતરી કર્યા બાદ જ મજબૂત હો તેવા જ ઉમેદવારને સપા અને બસપા ચૂંટણી લડાવશે.નોંધનીય છે કે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટી માટે ઉત્તર પ્રદેશ મહત્વનું રાજય બની રહે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠક જીતી હતી.(૨૧.૧૦)

(11:28 am IST)