મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

૧૧૦૦૦ના કિલો ટમેટાઃ રેસ્ટોરન્ટમાં ભોજનની થાળી ૩૪૦૦૦નીઃ ૧ લીટર દૂધનો ભાવ રૂ. ૫૦૦૦

વેનેઝુએલામાં આર્થિક-રાજકીય સંકટઃ મોંઘવારી ફાટીને ધુમાડેઃ ૧ કિલો બટેટાનો ભાવ ૧૭૦૦૦: ૬૦૦૦રૂ.માં કોકાકોલાની બે લીટરની બોટલ

નવી દિલ્હી તા.૧૧: વેનેઝુએલાનું આર્થિક સંકટ બધા જાણે જ છે. પરિસ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં લોકોને જમવાની ચીજોની પણ મુશ્કેલી થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાનું માનીએ તો ત્યાં ભૂખમરાની એવી સ્થિતિ છે કે લોકો એક કિલો ચોખા માટે એકબીજાની હત્યા કરવામાં નથી ચૂકતા. આટલી હદે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આંતરરાષ્ટ્રીય મદદ લેવાની એમ કહીને ના પાડી દીધી છે કે અમારો દેશ ભીખારીનથી. મુદ્રાસ્ફિતીનો દર અહીં ૧૩ લાખ ટકાએ પહોંચ્યો છે.

વેનેઝુએલાની બજારમાં એક કિલો ચિકનની કિંમત લગભગ ૧૦૨૭૭ રૂપિયા, કોઇ રેસ્ટોરન્ટમાં સામાન્ય ખાણાનો ભાવ ૩૪૦૦૦ રૂપિયા, ૫૦૦૦થી વધારે રૂપિયાનું દૂધ, ૬૫૩૫માં એક ડઝન ઇંડા, ૧૧૦૦૦ના કિલો ટમેટા, ૧૬ હજાર રૂપિયે માખણ, ૧૭ હજાર રૂપિયે કિલો બટેટા, રેડવાઇન બોટલ ૯૫૦૦૦, બીયર ૧૨૦૦૦ અને કોકાકોલાની ર બોટલ ૬ હજાર રૂપિયાની મળે છે.

વેનેઝુએલામાં આર્થિક સ્થિતિ તો ખરાબ છે જ ઉપરાંત રાજકીય સંકટ પણ ચાલુ છે. ત્યાં માદુરો ઉપરાંત વિરોધ પક્ષના નેતા જુઆન ગુએદોએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. તેમણે એવા દેશોનો પ્રવાસ કરી રહ્યા છે જે દેશો માદુરોને ટેકો આપે છે. માદુરોની રાજકીય સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે તેના પોતાના લોકો જ તેનો સાથ છોડવા લાગ્યા છે.

હાલમાં જ સેનાના ડોકટર કર્નલ રૂબેન પાજ જીમેનેજે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોથી છેડો ફાડવાની જાહેરાત કરી છે. તેમણે જુઆન ગુએડોને ટેકો આપ્યો છે. કર્નલે શનિવારે બહાર પાડેલા એક વીડીયોમાં કહયું કે સશસ્ત્ર દળોમાં ૯૦ ટકા લોકો નારાજગી ધરાવે છ. એક અઠવાડિયા પહેલા વાયુ સેના જનરલ ફ્રાંસીસ્કો યામેજે પણ માદુરો સાથેની વફાદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે એક વાત સાફ છે કે આ રાજકીય સંકટ જો જલ્દી પુરૂ નહીં થાય તો અહીંયા ગૃહયુદ્ધની સ્થિતિ આવી શકે છે.(૧.૨)

 

(9:34 am IST)