મુખ્ય સમાચાર
News of Monday, 12th February 2018

જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીવખત હિમવર્ષા

હિમવર્ષાના કારણે તાપમાનમાં જોરદાર ઘટાડો : દિલ્હી-એનસીઆરમાં થયેલો હળવો વરસાદ : તાપમાન ઘટી જતા ઠંડીનો ફરી અનુભવ : ચારેબાજુ બરફની ચાદર

નવી દિલ્હી,તા. ૧૨ : જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ફરી એકવાર નવેસરથી હિમવર્ષાના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બન્ને રાજ્યોમાં હિમવર્ષાના કારણે તેની સીધી અસર દિલ્હી અને એનસીઆરમાં પણ જોવા મળી રહી છે. બન્ને રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વાહનો અટવાઇ પડ્યા છે. ખીણમાં ભારે હિમવર્ષા અને મેદાની ભાગોમાં વરસાદ થયો છે. હિમવર્ષા અને વરસાદ હજુ જારી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઇવેના બનીહાલ સેક્ટરમાં ભારે હિમવર્ષાના પરિણામ સ્વરુપે કેટલાક વિસ્તારો વાહન વ્યવહાર માટે બંધ કરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઉધમપુરના પટણીટોપ ખાતે ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. કારગિલમાં માઇનસ ૧૪ ડિગ્રી તાપમાન રહ્યું છે જ્યારે લેહમાં માઇનસ ૧૧.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. શ્રીનગરમાં માઇનસ ૦.૧, ગુલમર્ગમાં માઇનસ ૪.૬ ડિગ્રી તાપમાન થયું છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ હિમવર્ષાની અસર સ્પષ્ટપણે થઇ છે. જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં પહાડી વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ઘટી ગઇ હતી. જો કે નવેસરથી હિમવર્ષાના કારણે ઠંડીમાં ફરી વધારો થયો છે. આજે સવારે દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. બીજી બાજુ હિમાચલપ્રદેશમાં પણ ફરી હિમવર્ષા થઇ છે. શિમલામાં હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે લોકોને મજા પડી ગઇ છે. શિમલા અને આસપાસના વિસ્તારોમાં ફરવા માટે આવેલા આવેલા લોકો હિમવર્ષાના કારણે રોમાંચ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે આગામી દિવસોમાં હિમવર્ષા જારી રહી શકે છે. દિલ્હી અને એનસીઆરમાં હળવા વરસાદના લીધે હાલત કફોડી થઇ છે. ઠંડી ફરી એકવાર પરત ફરી છે. આવી સ્થિતિના લીધે જનજીવન ઉપર પણ અસર થઇ છે. હિમાચલમાં પણ હાલમાં હિમવર્ષા જારી રહે તેવી સંવના દેખાઈ રહી છે.

ક્યા કેટલું તાપમાન.....

નવીદિલ્હી,તા. ૧૨ : હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પરિણામ સ્વરુપે લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. કારગિલ અને લેહમાં માઇનસ ૧૪ અને માઇનસ ૧૧.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ક્યાં કેટલું તાપમાન રહ્યું તે નીચે મુજબ છે.

સ્થળ......................................... તાપમાન (લઘુત્તમ)

કારગિલ.............................................. માઇનસ ૧૪

લેહ.................................................. માઇનસ ૧૧.૩

ગુલમર્ગ.............................................. માઇનસ ૪.૬

શ્રીનગર............................................. માઇનસ ૦.૧

પહેલગામ........................................... માઇનસ ૦.૧

કટરા............................................................... ૭.૬

બટોટે.............................................................. ૧.૩

ભદરવા........................................................... ૦.૪

(7:48 pm IST)