મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ચૂંટણી ઢંઢેરો મતદાનનાં ૭૨ કલાક પહેલા જ આવવો જોઇએ

ચૂંટણી પંચની એક સમિતિએ કરી ભલામણઃ આદર્શ આચાર સંહિતામાં સુધારાની પણ ભલામણઃ ચૂંટણી પ્રચાર પર રોકનો દાયરો સોશ્યલ મીડિયા, ઇન્ટરનેટ, કેબલ ટીવી, પ્રિન્ટ મીડિયાની ઓનલાઇન આવૃતિ સુધી વધારવા પણ કરી ભલામણ

નવી દિલ્હી તા.૧૨: ચૂંટણી પંચે નિમેલી સમિતિએ આદર્શ આચાર સંહિતામાં સુધારો કરવા માટેની ભલામણો કરી છે. આ ભલામણો પ્રમાણે પક્ષોએ પહેલા ચરણના મતદાનની સમાપ્તિના ૭૨ કલાક પહેલા પોતાના મેનિફેસ્ટો બહાર પાડવાના રહેશે.

સમિતિએ ઇલેકશન સાઇલન્સ એટલેકે ચુંટણી પ્રચાર પર રોકનો વ્યાપ સોશ્યલ મીડિયા, ઇન્ટરનેટ, કેબલ ચેનલ્સ અને પ્રિન્ટ મિડિયાના ઓનલાઇન પ્રકાશનો સુધી વધારવાની વાત કહી છે. સાથે જ સોશ્યલ મીડિયા એજન્સીઓને રાજકીય પ્રચારની ચીજોને બીજી સામગ્રીથી અલગ કરીને પક્ષ અને ઉમેદવારે આ માધ્યમો પર કરેલા ખર્ચનો હિસાબ રાખવાનું કહેવાયું છે.

ચૂંટણી પંચે મીડિયામાં પ્રચારને જોતા લોક પ્રતિનિધિત્વ કાયદાના અનુચ્છેદ ૧૨૬ની સમીક્ષા કરવા માટે ગયા વર્ષે આ ૧૪ સભ્યોની સમિીત નિમી હતી.

ગુરૂવારે આ રિપોર્ટ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાને સોંપવામાં આવ્યો હતો. આ સમિતિની અધ્યક્ષતા નાયબ ચૂંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ કરી હતી. સમિતિમાં પંચના નવ બીજા સભ્યો ઉપરાંત સુચના અને પ્રસારણ મંત્રાલય, કાયદા મંત્રાલય, આઇટી મંત્રાલય, નેશનલ બ્રોડકાસ્ટ એસોસીએશન અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એક એક સભ્ય હતા.

હાલમાં મેનિફેસ્ટો બહાર પાડવા બાબતે કોઇ રોક નથી. ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપાએ પોતાનો મેનિફેસ્ટો પહેલા ચરણના મતદાનના દિવસે બહાર પાડયો હતો. તે વખતે કોંગ્રેસે આ ઘટનાને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવીને ચૂંટણીપંચમાં ફરિયાદ પણ કરી હતી પણ મેનિફેસ્ટો બાબતે કોઇ કાયદો ન હોવાથી ચૂંટણી પંચ કોઇ કાર્યવાહી નહોતું કરી શકયું.

લોકપ્રતિનિધત્વ અધિનિયમનો અનુચ્છેક ૨૧૬, ઇલેકશન સાઇલેન્સની વાત કહે ે છે તે પ્રમાણે ચૂંટણીવાળા વિસ્તારમાં મતદાનના ૪૮ કલાક પહેલાં પ્રચાર બંધ કરવો પડે છે. ઘણીવાર એક જગ્યાએ ઇલેકશન સાઇલેન્સ હોવા છતાં પણ બીજી જગ્યાએ પ્રચાર ચાલુ રહે છે. આવી પરિસ્થિતિમાં આ રીપોર્ટમાં નેતાઓને ઇન્ટરવ્યુ અને પ્રેસમિટીંગથી દૂર રહેવાની સૂચના અપાઇ છે.

જો કે કેટલીક ભલામણોને લાગુ કરતા પહેલા લોકપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરવો પડશે. જેના માટે ચૂંટણીપંચે કાયદા મંત્રાલયને પત્ર લખવો પડશે.(૧.૫)

(7:44 pm IST)