મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

છત્તીસગઢમાં એક મહિલા છેલ્લા ૩૩ વર્ષથી માત્ર ચા ઉપર જીવે છે

લોકો તેમને 'ચાય વાલી ચાચી' તરીકે ઓળખે છે

રાંચી તા. ૧૨ : છત્તીસગઢ જિલ્લાનાં બરડિયા ગામમાં એક મહિલા છેલ્લા ૩૩ વર્ષથી કશું ખાધા-પીધા વગર માત્ર ચા પીને જ જીવે છે. આ મહિલાનું નામ પિલ્લી દેવી છે. માત્ર ચા પર જ જીવન જીવતા હોવાથી લોકો તેમને ચાય વાલી ચાચી તરીકે ઓળખે છે. તેઓ ૧૧ વર્ષનાં હતા ત્યારથી ખાવાનું છોડી દીધુ હતું અને માત્ર ચા જ પીવે છે.

૪૪ વર્ષની આ મહિલાનાં પિતા રતિ રામે જણાવ્યું કે, તેમની દિકરી પિલ્લી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારથી તેણે ખાવાનું છોડી દીધુ હતુ. તે શાળામાં ભણતી હતી ત્યારે પટનામાં એક ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગઇ હતી ત્યાંથી પરત ફર્યા પછી ખાવાનું અને પાણી પીવાનું છોડી દીધુ હતું.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, શરૂઆતમાં પિલ્લી ચાની સાથે બ્રેડ અને બિસ્કીટ ખાતી હતી પણ આ પછીથી તેણે તે પણ છોડી દીધું અને માત્ર ચા પર જીવવાનું શરૂ કર્યું. તે દિવસમાં એક જ વખત ચા પીવે છે. પિલ્લી દેવીનાં ભાઇ બિહારી લાલ રાજવદેએ કહ્યું કે, તેમના પરિવારે ડોકટરોની પણ મદદ લીધી હતી. કેમ કે, તેમને ડર હતો કે, જો તે ખાવાનું છોડી દેશે તો તેને કોઇ રોગ લાગુ પડશે પણ ડોકટરોની તપાસમાં કોઇ રોગ આવ્યો નહીં અને સ્વાસ્થ્ય સારૂ જણાયું. પિલ્લી દેવી ઘરની બહાર નિકળતી નથી. આખો દિવસ શિવની આરાધના કરે છે.

આ અંગે ડો. એસ.કે. ગુપ્તાએ જણાવ્યું કે, 'માણસો માત્ર ચા પીને જીવે એ શકય નથી. આ આશ્ચર્યજનક ઘટના છે. વૈજ્ઞાનિક રીતે જોઇએ તો, માત્ર ચા પર માણસ ૩૩ વર્ષ સુંધી જીવી શકે નહીં. આ શકય નથી.'(૨૧.૨૬)

 

(3:32 pm IST)