મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ગુજરાતના ૧૭માંથી ૩ એન્કાઉન્ટર નકલી જાહેર

જસ્ટીસ એચ.એસ. બેદી તપાસ સમિતિનો ધડાકોઃ ૧ વર્ષ બાદ બહાર આવ્યો રીપોર્ટઃ સમીર ખાન, કાસમ જાફર, હાજી હાજી ઈસ્માઈલના થયેલા એન્કાઉન્ટરને બોગસ ગણાવ્યું છેઃ આ એન્કાઉન્ટરમાં સામેલ ૩ ઈન્સ્પેકટર સહિત ૯ પોલીસ કર્મચારીઓ પર કેસ ચલાવવાની ભલામણઃ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ સમીર પઠાણનું એન્કાઉન્ટર થયું હતું: પોલીસનું કહેવું હતુ કે પઠાણે મોદીની હત્યાનું કાવતરૂ રચ્યું હતું, તેના પર આરોપ હતો કે તે જૈશનો ત્રાસવાદી હતો

નવી દિલ્હી, તા. ૧૨ :. ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૦૬ દરમ્યાન થયેલા ૧૭ એન્કાઉન્ટરમાંથી ૩ને જસ્ટીસ એચ.એસ. બેદીની તપાસ સમિતિએ બોગસ જાહેર કર્યા છે. સુપ્રિમમાં રજુ કરાયા પછી લગભગ એક વર્ષ બાદ જાહેર થયેલ આ રિપોર્ટમાં સમીરખાન, કાસમ જાફર અને હાજી હાજી ઈસ્માઈલના એન્કાઉન્ટરમાં થયેલ મોતને પ્રાથમિક દ્રષ્ટિએ બોગસ માન્યા છે. સાથે જ આ એન્કાઉન્ટરમાં સામેલ ૩ ઈન્સ્પેકટરો સહિત કુલ ૯ પોલીસ કર્મચારીઓ પર કેસ ચલાવવાની ભલામણ કરી છે. જો કે તેમણે આ એન્કાઉન્ટરોમાં આઈપીએસ અધિકારીઓની ભૂમિકા બાબતે કોઈ ભલામણ નથી કરી.

સુપ્રિમ કોર્ટ તરફથી સુપ્રિમના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બેદીની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિને આ ૧૭ એન્કાઉન્ટરોની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. સમિતિએ પોતાનો રીપોર્ટ એક બંધ કવરમાં સુપ્રિમ કોર્ટને ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સોંપ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે ૯ જાન્યુઆરીએ ગુજરાત સરકારની આ કમિટીનો રીપોર્ટ ગુપ્ત રાખવાની માગણી કરતી અરજી રદ કરી હતી, સાથે જ બેંચે આ રીપોર્ટ અરજદારોને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેમાં મશહુર ગીતકાર જાવેદ અખ્તર પણ સામેલ છે. સમિતિએ સમીરખાનના કુટુંબીજનોને ૧૦ લાખ અને કાસમ જાફરના કુટુંબીજનોને ૧૪ લાખ રૂપિયાનંુ વળતર આપવાની ભલામણો કરી છે.(૨-૪)

આ ૧૪ એન્કાઉન્ટરોની પણ થઈ તપાસ

મિઠુ ઉમર ડફેર, અનિલ બિપિન મિશ્રા, મહેશ, રાજેશ્વર કશ્યપ, હરપાલસિંહ ઢાકા, સલીમ ગાજી મિયાણા, જાલા પોપટ દેવીપૂજક, રફીક શાહ, ભીમા માંડા મેર, જોગીંદરસિંહ ખેતાન, ગણેશ ખુંટે, મહેન્દ્ર જાદવ, સુભાષ ભાસ્કર નૈયર અને સંજય

આ ત્રણ એન્કાઉન્ટર બોગસ

. ૨૨ ઓકટોબર ૨૦૦૨ના રોજ અમદાવાદના ઉસ્માનપુરામાં પોલીસના હાથમાંથી ભાગતી વખતે એન્કાઉન્ટર

. ૧૩ એપ્રિલ ૨૦૦૬ના રોજ કાસમ જાફર અમદાવાદમાં પોલીસ લોકઅપમાંથી ફરાર થયો, એક દિવસ પછી તેની લાશ મળી આવી.

. ૯ ઓકટોબર ૨૦૦૫ના રોજ હાજી હાજી ઈસ્માઈલે પોલીસને રોકવા ગોળીબાર કર્યો, જવાબમાં પોલીસે તેને ૨૦ ગોળી મારી હતી.

(11:43 am IST)