મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

છેલ્લા ૧૧ મહિનામાં સંખ્યા ૨૧ ટકા ઘટી

નોકરી માટે અખાતી દેશ યુએઇ, સા.અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન, બહેરીન જતા ભારતીયોની સંખ્યા ઘટી

નવી દિલ્હી તા. ૧૨ : રોજગાર - ધંધા માટે અખાતી દેશો યુએઇ,સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન, બહેરીન જતા ઇન્ડિયન્સની સંખ્યા ઘટી છે. ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮ના નવેમ્બર સુધીના ૧૧ માસના સમયગાળા દરમિયાન આ દેશમાં નોકરી માટે જતા ભારતીયોની સંખ્યા ૨૧ ટકા ઘટી છે.

પાંચ વર્ષ પહેલા ૨૦૧૪માં અખાતી દેશોમાં જતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો હતો. ૨૦૧૪માં ગલ્ફ દેશોમાં ગયેલા ભારતીયોની સંખ્યા ૭.૮ લાખ હતી. આ આંકડા સાથે સરખામણી કરીએ તો ૨૦૧૮માં આ સંખ્યા ૬૨ ટકા ઘટી છે. આ આંકડા ઇ-માઇગ્રેટ ઇમિગ્રેશન દ્વારા બહાર પડાયા છે. ૨૦૧૮ દરમિયાન અખાતી દેશોમાંથી યુએઇ જતાં લોકોની સંખ્યા વધારે હતી. જેમાં કુલ કર્મચારીઓમાંથી ૧ લાખ કર્મચારીઓને ઇમિગ્રેશનની મંજૂરી અપાઇ હતી. જે બાદ ૬૫,૦૦૦ સાથે સાઉદી અરેબિયા બીજા ક્રમે અને ૫૨,૦૦૦ સાથે કુવૈત ત્રીજા નંબરે હતું.

વર્ષ ૨૦૧૭ પહેલા અખાતી દેશોમાંથી સાઉદી અરેબિયા જતા ભારતીયોની સંખ્યા વધારે હતી, જેમાં ૨૦૧૭ બાદ તેમાં ધરખમ ઘટાડો થયો છે.  છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ઘટાડા માટે ગલ્ફ દેશોની ઇમિગ્રેશ પોલિસી જવાબદાર હોવાનું જાણવા મળે છે. જે તેઓની નિતાકલ પોલિસી મુજબ સ્થાનિક લોકોને નોકરીમાં અગ્રતા આપવાથી ઇમિગ્રન્ટસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

૨૦૧૪માં ૩.૩ લાખ વર્કરોએ સાઉદી અરેબિયામાં માઇગ્રેશન કર્યું હતું, જેમાં છેલ્લા ૫ વર્ષમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. ગલ્ફ દેશોમાંથી માત્ર કતાર જ એવો દેશ છે જયાં જતાં વર્કરોની સંખ્યામાં ગત વર્ષ કરતાં વધારો થયો છે, આ વર્ષે ૩૨,૫૦૦ વર્કરને કતારમાં ઇમિગ્રેશન કરવાની મંજૂરી મળી હતી, આ સંખ્યા ૨૦૧૭માં ૨૫,૦૦૦ હતી, એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે આ સંખ્યામાં ૩૧ ટકાનો વધારો થયો છે. સાઉદી અરેબિયા ૨૦૨૨માં વર્લ્ડ કપ હોસ્ટ કરવાનું હોવાથી આ સંખ્યામાં વધારો થયો હોવાનું શ્રમિકોની ભરતી કરનારનું કહેવું છે.

વિદેશ મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબ મુજબ અખાતી દેશોમાં જતા ભારતીયોની સંખ્યામાં થયેલા ઘટાડા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમાં તેલની કિંમતોમાં થયેલા ઘટાડાના કારણે આ દેશો આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યા હોવાનું પણ એક કારણ છે. જો કે ગલ્ફ દેશોનો હેતુ પબ્લિક અને પ્રાઇવેટ સેકટરમાં પોતાના જ દેશમાંથી ભરતી કરવાનો છે.(૨૧.૮)

(11:42 am IST)