મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

અર્થવ્યવસ્થાને ઝટકો ! ઔદ્યોગિક ઉત્પાદન દર ૧૭ મહિનામાં સૌથી ઓછો

નવેમ્બર મહિનામાં આઇઆઇપી ગ્રોથ ઘટીને ૦.૫૦ ટકા પર આવી ગયો છેઃ એક વર્ષ પહેલા નવેમ્બર ૨૦૧૭માં ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિ દર ૮.૫ ટકા રહ્યો હતો

નવી દિલ્હી તા. ૧૨ : ઔદ્યોગિક ઉત્પાદનના મોર્ચા પર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નવેમ્બર મહિનામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને ૦.૫૦ ટકા પર આવી ગયો છે. કેન્દ્રીય સાંખ્યિક કાર્યાલય (સીએસઓ) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આઈઆઈપીનો વૃદ્ઘિ દરનું આ ૧૭ મહિનાનું સૌથી નીચુ સ્તર છે. વિનિર્માણ ક્ષેત્ર વિશેષરૂપથી ઉપભોકતા અને પંજીગત સામાન ક્ષેત્રનું ઉત્પાદન ઘટવાથી આઈઆઈપીનો વૃદ્ઘિ દર ઘણો નીચો આવી ગયો છે. એક વર્ષ પહેલા નવેમ્બર, ૨૦૧૭માં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ઘિદર ૮.૫ ટકા રહ્યો હતો. આમાં પહેલા જૂન, ૨૦૧૭માં ઔદ્યોગિક ઉત્પાદન ૦.૩ ટકા ઘટ્યો હતો. ઓકટોબર ૨૦૧૮ ઉત્પાદન વૃદ્ઘિદર સંશોધિત થઈને ૮.૧ થી ૮.૪ ટકા થઈ ગયો છે.

માસિક આધાર પર ઓકટોબરમાં ઈલેકટ્રીસિટી સેકટરનો ગ્રોથ ૮.૨ ટકાથી વધીને ૮.૧૦ ટકા પર પહોંચી ગયો હતો. માઈનીંગ સેકટરનો ગ્રોથ ૦.૨ ટકાથી વધીને ૭ ટકા પર પહોંચી ગયો હતો. મેન્યુફેકચરિંગનો ગ્રોથ ૪.૬ ટકાથી વધીને ૭.૯ ટકા પર આવી ગયો હતો. - પ્રાઈમરી ગુડ્સનો ગ્રોથ પણ ૨.૬ ટકાથી વધીને ૬ ટકાના સ્તર પર પહોંચી ગયો હતો.

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)નું તમામ દેશની અર્થ વ્યવસ્થામાં મહત્વનું હોય છે. આનાથી ખબર પડે છે કે, તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ઘિ કેવી ગતિથી ચાલી રહી છે. આઈઆઈપીના અનુમાન માટે ૧૫ એજન્સિઓ પાસેથી આંકડા ભેગા કરવામાં આવે છે. આમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન, ઈન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સ, સેન્ટ્રલ સ્ટેટિકલ ઓર્ગેનાઈઝેશન અને સેન્ટ્રલ ઈલેકિટ્રસિટી ઓથોરિટી સામેલ છે.

સાંખ્યિક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા માનક અનુસાર, કોઈ ઉત્પાદનને આમાં સામેલ કરવા માટે પ્રમુખ શરતો છે કે વસ્તુ કે ઉત્પાદનના સ્તર પર તેના ઉત્પાદનનું કુલ મૂલ્ય ઓછામાં ઓછુ ૮૦ કરોડ રૂપિયા હોવું જોઈએ. આ સિવાય એવી શરત પણ છે કે, વસ્તુ કે ઉત્પાદનના માસિક આંકડા સળંગ ઉપલબ્ધ હોવા જોઈએ.

ઈન્ડેકસમાં સામેલ વસ્તુઓને ત્રણ સમૂહો-માઈનિંગ, મેન્યુફેકચરિંગ અને ઈલેકિટ્રસિટીમાં વહેંચવામાં આવે છે. પછી તેને બેસિક ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઈન્ટરમિડિએટ ગુડ્સ, કન્ઝયુમર ડ્યૂરેબલ્સ અને કન્ઝયૂમર નોન-ડ્યૂરેબલ્સ જેવી ઉપ-શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે.(૨૧.૫)

(10:00 am IST)