મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

મમતાએ મોદીની યોજના ફેંકી કચરા ટોપલીમાં

વધુ પૈસા માંગી બંધ કરી 'આયુષ્યમાન ભારત યોજના'

કલકત્તા તા. ૧૧ : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગુરૂવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળે આયુષ્યમાન ભારત યોજનામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે અને તે આ યોજના માટે ૪૦ ટકા ફંડ નહી આપે. તેમણે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર આ યોજના ચલાવવા ઇચ્છતી હોય તો પુરેપુરા પૈસા તેણે ચુકવવા પડશે. આ યોજના ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮થી દેશભરમાં અમલી બનાવાઇ છે.

જ્યારે કેન્દ્રના અધિકારીઓનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેસની સરકારે આ બાબતે કેન્દ્ર સરકારને લખ્યું છે કે, આ યોજનામાં નિકળી જવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને અધિસૂચિત કરવામાં આવે. મમતાએ મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે, તે રાજ્યના યોગદાનને ભુલીને સ્વાસ્થ્ય યોજનાઓનો જશ પોતે લઇ રહ્યા છે. તે પોસ્ટ ઓફિસના માધ્યમથી બંગાળી લોકોને પત્ર મોકલીને આ યોજનાની ક્રેડીટ પોતે લઇ રહ્યા છે. આ પત્રોમાં મોદીના ફોટો મુકાયેલ છે. જો જશ તેઓ લઇ રહ્યા હોય તો પૈસા પણ તેમણે જ આપવા જોઇએ. મમતાએ મોદી સરકાર પર આક્ષેપ કર્યો કે તે પોતાના પક્ષને લાભ પહોંચાડવા પોસ્ટ વિભાગનો ઉપયોગ કરી રહ્યા છે.

મમતાએ કહ્યું કે, અમારી પાસે આયુષ્યમાન યોજનાથી પણ સારી એવી યોજના આરોગ્યશ્રી છે. તેમણે કહ્યું કે, બંગાળમાં કોઇને પણ સારવાર માટે પૈસા નથી ચુકવવા પડતા. બિહાર - ઝારખંડમાં પણ આમ જ છે. નેપાળ અને બાંગ્લાદેશમાં પણ મફત મેડીકલ સુવિધાઓ મળે છે. તો દેશના વડાપ્રધાન શા માટે આ બાબતે ગંદુ રાજકારણ રમે છે?

આયુષ્યમાન યોજના માટે કેન્દ્ર અને રાજ્યોનો હિસ્સો અનુક્રમે ૬૦-૪૦ નક્કી થયો છે. આયુષ્યમાન ભારત એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે જે ૧૦ કરોડ ગરીબ અને નબળા કુટુંબોને ૫ લાખ રૂપિયા સુધીની સારવાર ઉપલબ્ધ કરાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે ૨૦૧૭માં આવી જ એક યોજના 'સ્વાસ્થ્ય સાથી' શરૂ કરી હતી. જે રાજ્યના લોકોને પેપરલેસ અને કેશલેસ સ્માર્ટ કાર્ડના આધારે સુવિધાઓ આપે છે.

ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સા, દિલ્હી, કેરલ અને પંજાબ, ચાર એવા રાજ્યો છે જેમણે આયુષ્યમાન યોજના નથી અપનાવી.(૨૧.૧૩)

(11:36 am IST)