મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

ચોંકાવનારા આંકડા જાહેર 'આ છે આધુનિક ભારત'...૯૨૦૦૦ જેટલી સરકારી સ્કૂલો માત્ર ૧ શિક્ષકના ભરોસે

નવી દિલ્હી, તા. ૧૧ :. દેશની સરકારી પ્રાથમિક શાળાઓનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે આજ પણ લગભગ ૯૨૦૦૦ શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે.

દેશની બધી રાજ્ય સરકારો મળીને પણ છેલ્લા ચાર વર્ષમાં ફકત ૧૫૦૦૦ એક શિક્ષકવાળી શાળામાં વધારાના શિક્ષકની નિયુકતી કરી શકી છે. આમા એકલા યુપીમાં જ ૮૭૭૩ શિક્ષકોની નિયુકતી થઈ છે.માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાંથી મળેલા યુનિફાઈડ, ડીસ્ટ્રીકટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (યુ-ડાઈસ)ના આંકડાઓ પ્રમાણે ૨૦૧૩મા દેશમાં ૧,૦૭,૫૯૧ શાળાઓ એવી હતી જેમા ફકત ૧ શિક્ષક જ હતા. તેમા સૌથી વધારે એક શિક્ષકવાળી શાળા મધ્ય પ્રદેશમાં (૧૭૯૮૪) હતી, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧૬૮૬૫ શાળાઓ હતી. ૨૦૧૭માં દેશભરમાં એક શિક્ષકવાળી શાળાઓમાં ૧૫ હજારનો ઘટાડો થયો અને તેની સંખ્યા ૯૨૨૭૫ રહી હતી. તેમાં સૌથી મોટો સુધારો ઉત્તર પ્રદેશમાં થયો, જ્યાં એકલા શિક્ષકવાળી શાળાઓની સંખ્યા અડધી ઘટાડીને આંકડો ૮૦૯૨ ઉપર લાવી દીધો. જો કે એકલા શિક્ષકવાળી શાળાઓની સંખ્યામાં તે હજી પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી ત્રીજા નંબર પર છે.

ઝારખંડમાં આ દરમ્યાન આનાથી ઉલ્ટુ થયું છે. દેશના બીજા રાજ્યોમાં આ ચાર વર્ષમાં એક જ શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ઘટી છે ત્યારે આદિવાસી બહુમતી ધરાવતા આ રાજ્યમાં આવી શાળાઓમાં ૯૭૩નો વધારો થયો છે. ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ આવી શાળાઓમાં મામુલી વધારો નોંધાયો છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ આંકડા બાબતે કેન્દ્ર સરકાર તરફથી કહ્યુ કે એક જ શિક્ષકવાળી શાળાઓનું મુખ્ય કારણ શિક્ષકોની ઘટ નથી પણ તેમને ખોટી રીતે પોસ્ટીંગ અપાય તે છે.

મોટાભાગના જીલ્લાઓમાં શિક્ષકો શહેરોમાં રહેલી શાળાઓમાં પોસ્ટીંગ લઈ લે છે, જેના કારણે ગામડાની શાળાઓમાં શિક્ષકોની ઘટ આવે છે અને એક જ શિક્ષકવાળી શાળા બનવાની પરિસ્થિતિ ઉભી થાય છે. અધિકારીએ જણાવ્યુ કે મંત્રાલય તરફથી રાજ્યોને આ બાબતે શિક્ષકોના પોસ્ટીંગ વ્યવસ્થિત રીતે કરવા માટે લખવામાં આવ્યું છે.(૨-૨)

(12:24 pm IST)