મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

CBI ડિરેક્ટર પદેથી દૂર થયા બાદ આખરે વર્માનું રાજીનામું

ફાયર સર્વિસના ડિરેક્ટર બન્યા બાદ ચાર્જ લેવાનો ઇન્કાર કર્યો : ૩૧મી જાન્યુઆરીના દિવસે આલોક વર્મા નિવૃત્ત થનાર હતા : રાકેશ અસ્થાના સાથે લાંબી ખેંચતાણ બાદ આખરે નિરાશાજનક અંત : આક્ષેપ-પ્રતિઆક્ષેપો

નવીદિલ્હી, તા. ૧૧ : હાઈપાવર્ડ સિલેક્શન કમિટિ દ્વારા સીબીઆઈના ડિરેક્ટર  પદેથી દૂર કરવામાં આવ્યા બાદ અને બદલી કરવામાં આવ્યાના એક દિવસ બાદ આલોક વર્માએ આજે સરકારમાંથી રાજીનામુ આપી દીધું હતું. સરકારને રાજીનામુ મોકલીને આલોક વર્માએ તમામને ચોંકાવી દીધા છે. આલોક વર્માની ફાયર સર્વિસના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જો કે, પહેલા તો ચાર્જ લેવાનો ઇન્કાર કર્યો હતો અને હવે રાજીનામુ આપી દીધું છે. અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરમાંથી ૧૯૭૯ બેંચના આઈપીએસ ઓફિસર આલોક વર્મા સીબીઆઈના ૨૭માં ડિરેક્ટર તરીકે હતા. તેઓ દિલ્હી પોલીસના કમિશનર તરીકે પણ રહી ચુક્યા છે. ૩૧મી જાન્યુઆરીના દિવસે આલોક વર્મા નિવૃત્ત થઇ રહ્યા હતા. વર્મા પહેલી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે સીબીઆઈના ડિરેક્ટર બન્યા હતા. તેમની અવધિ ખુબ જ વિવાદાસ્પદ રહી હતી. છેલ્લે ભ્રષ્ટાચારના આરોપોને લઇને તેમને બે વર્ષની નિર્ધારિત અવધિ પહેલા જ દૂર કરવામાં આવ્યા હતા. વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. મોડેથી અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ વિવાદ એટલો હદ સુધી વધી ગયો હતો કે, સરકારે બંને અધિકારીઓને બળજબરીપૂર્વક રજા ઉપર મોકલી દીધા હતા. તેમની સામે વર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને ૮મી જાન્યુઆરીના દિવસે કોર્ટે તેમને ડિરેક્ટર પદ ઉપર ફરી ગોઠવ્યા હતા. જો કે, સિલેક્શન કમિટિએ તરત જ તેમને દૂર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગઇકાલે બેઠક મળી હતી જેમાં લાંબી ચર્ચા કરવામાં આવ્યા બાદ વર્માને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિના અન્ય સભ્યોમાં કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે, જસ્ટિસ એકે સિકરી સામેલ હતા. જસ્ટિસ સિકરી દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તરફથી ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક બે કલાકથી પણ વધારે સમય સુધી ચાલી હતી. આખરે આલોક વર્માને દૂર કરવામાં આવ્યા હતા. પસંદગી કમિટિએ ૨-૧થી આ ચુકાદો આપ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. સુત્રોના કહેવા મુજબ જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે, આલોક વર્માની સામે તપાસની જરૂર છે. મંગળવારના દિવસે જ સુપ્રીમ કોર્ટે આલોક વર્માને ફરી હોદ્દા પર નિમણૂંક કર્યા હતા. આલોક વર્માને હવે ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર અને પોતાની ફરજની ઉપેક્ષા કરવા બદલ તેમને સીબીઆઈના ડિરેક્ટર તરીકે દૂર કરાયા હતા. પેનલની બેઠક બુધવારના દિવસે પણ મળી હતી.

(7:33 pm IST)