મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિકતા બિલ : આસામમાં પ્રદર્શન તીવ્ર, શ્રેણીબદ્ધ ટ્રેન રદ

હિંસક પ્રદર્શન વચ્ચે સેના બોલાવવાની ફરજ : પોલીસ-દેખાવકારની વચ્ચે હિંસક અથડામણ : લાઠીચાર્જ કરવા ફરજ : ઘણી જગ્યાએ રબરની ગોળીઓ ચલાવાઈ

નવીદિલ્હી, તા. ૧૧ : નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રદર્શન દરમિયાન રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. પોલીસે દેખાવકારો ઉપર ટીયરગેસના સેલ છોડ્યા હતા. ડિબ્રુગઢમાં સેનાને બોલાવવાની ફરજ પડી હતી. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા છે. લીડો ગુવાહાટી ઇન્ટરસિટી, ડિબ્રુગઢ ઇન્ટરસીટી સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. સચિવાલયની પાસે હિંસક અથડામણ થઇ હતી.

             જોરહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. નાગરિક સુધારા બિલને લઇને વિરોધ પ્રદર્શન હાલ જારી રહે તેવી શક્યતા છે. આસામ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કર્ણાટકે આજે બેંગ્લોરમાં આ બિલની સામે જોરદાર દેખાવો કર્યા હતા. પૂર્વોત્તરના રાજ્યોની સાથે સાથે અન્ય કેટલાક હિસ્સાઓમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. બિલનો વિરોધ કરી રહેલા ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનનું કહેવું છે કે, તેની સામે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. મુખ્ય સલાહકાર ભટ્ટાચાર્યએ કેન્દ્રની ભાજપ સરકારની આકરી ટિકા કરી છે અને કહ્યું છે કે, ઉત્તરપૂર્વના લોકો આને કોઇ કિંમતે સ્વીકારશે નહીં. નાગરિક સુધારા બિલ સામે લડવા કાયદાકીય રસ્તાને અપનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.

             ડિબ્રુગઢમાં સ્થિતિ વણસી ગઇ છે. પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આ જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત રહેલી સીઆરપીએફની ૧૦ કંપનીઓને આસામ મોકલી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી ૨૦ કંપનીઓને આસામ મોકલવાનો નિર્ણય કરાયો છે. સુરક્ષા દળોની સરળ પહોંચને શક્ય બનાવવા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મણિપુરમાં ઓપરેશન માટે મોકલવામાં આવેલી સીઆરપીએફની સાત કંપનીઓને આસામ મોકલવાનો નિર્ણય કર્યો છે.

(7:43 pm IST)