મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

લાખો શરણાર્થીઓની લાઇફ બદલાઇ જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

ભાજપ સંસદીય દળની બેઠકમાં દાવો કર્યો : બિલનો વિરોધ કરતા કોંગી સહિતના પક્ષો પર તીવ્ર પ્રહાર

નવી દિલ્હી,તા. ૧૧ : નાગરિક સુધારા બિલ પર રાજ્યસભામાં જોરદાર રાજકીય સંગ્રામ થાય તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. ભાજપની આજે સવારે સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. જેમાં રાજ્યસભામાં આ બિલને પસાર કરવાની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક સુધારા બિલનો વિરોધ કરી રહેલા સાંસદો પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કેટલાક વિપક્ષી સાંસદો પર પાકિસ્તાની ભાષા બોલવાનો આરોપ કર્યો હતો.

             મોદીએ નાગરિક સુધારા બિલને દેશહિતમાં ગણાવીને કહ્યુ હતુ કે આના કારણે લાખો શરણાર્થીઓની લાઇફ બદલાઇ જશે. વડાપ્રધાન મોદીએ બિલને લઇને નિર્દેશ આપ્યો હતો કે આ બિલની તરફેણ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપના સાંસદોને મોદીએ નિર્દેશ કર્યો હતો કે બિલ પૂર્ણ રીતે દેશના હિતમાં છે. આના કારણે પડોશી દેશોમાં પિડિત લોકોને ન્યાય મળશે. આ એક ઐતિહાસિક કાનુન તરીકે સાબિત થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ તમામને રાજ્યસભામાં ઉપસ્થિત રહેવા માટે કહ્યુ હતુ.

(7:40 pm IST)