મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને નાગરિક સુધારા બિલ બંધારણીય દરજ્જો આપે છે

રાજ્યસભામાં રાજકીય સંગ્રામ દરમિયાન કપિલ સિબ્બલનો આક્ષેપ : બિલ નાગરિકતા માટે ધર્મને આધાર બનાવે છે જે યોગ્ય બાબત નથી : દેશના વિભાજન કરવાના કોંગ્રેસ ઉપર અમિત શાહના આક્ષેપોને સિબ્બલે ફગાવ્યા

નવીદિલ્હી, તા. ૧૧ : નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જોરદાર સંગ્રામની સ્થિતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના સંદર્ભમાં પોતપોતાના અભિપ્રાય આપ્યા હતા અને એકબીજાની વાત પણ મુકી હતી. એકબાજુ કોંગ્રેસે રાજ્યસભામાં નાગરિક સુધારા બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસ તરફથી આ બિલ પર જોરદાર દલીલબાજી કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને પી ચિદમ્બરમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. લોકસભામાં આ બિલ બહુમતિ સાથે પાસ કરવામાં આવ્યા બાદ આજે આ બિલ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ

કરવામાં આવ્યા બાદ ઉગ્ર દલીલોનો દોર શરૂ થયો હતો. આ બિલ પર ચર્ચા માટે છ કલાકનો નિર્ધારિત સમય રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. સિટિઝનશીપ સુધારા બિલનો વિરોધ કરતા સીપીએમના કેકે રાગેશે કહ્યું હતું કે, શ્રીલંકન તમિળોનું શું થશે જે દેશની બહાર જતા રહ્યા છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સરકાર વાસ્તવિકતાને છુપાવી રહી છે. ભાજપના નેતાઓ તરફથી પણ જોરદાર રજૂઆતો કરવામાં આવી હતી. બિલ રજૂ કરવામાં આવ્યા બાદ નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે અમિત શાહ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અમિત શાહે લોકસભામાં બિલ પર ચર્ચા કરતી વેળા કોંગ્રેસ પર દેશ વિભાજનના આક્ષેપ મુક્યા હતા જે સંપૂર્ણપણે  ખોટા છે. સિબ્બલે કહ્યું હતું કે, તેમની માંગ છે કે, અમિત શાહે આ આક્ષેપોને પરત લેવા જોઇએ. સિબ્બલે કહ્યું હતું કે, દ્વિરાષ્ટ્ર માટે અમારો સિદ્ધાંત નથી. તેઓ ગૃહમંત્રીને અપીલ કરે છે કે પોતાના આક્ષેપોને પરત લઇ લેવામાં આવે. સિબ્બલે કહ્યું હતું કે, બિલ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને બંધારણી મંજુરી આપી છે.

               આ બિલ નાગરિકતા માટે ધર્મને આધાર બનાવે છે. સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, તેમને આ વાત સમજાતી નથી કે, આખરે અમિત શાહે કયા ઇતિહાસના પુસ્તકો વાંચ્યા છે. સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના વિચારો ઉપર વિશ્વાસ રાખતી નથી. કપિલ સિબ્બલે અમિત શાહની એવી ટિપ્પણીનો પણ જવાબ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના કોઇપણ મુસ્લિમને ભયભીત થવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, અમે અથવા તો દેશના મુસ્લિમો સરકારથી ડરતા નથી બલ્કે બંધારણથી ભયભીત છે. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ બિલ દેશને તોડનાર છે. ભાજપના એજન્ડાને અમે ૨૦૧૪થી ઓળખીએ છીએ. લવ જેહાદ, એનઆરસી, કલમ ૩૭૦થી લઇને નાગરિક સુધારા બિલ સુધીના એજન્ડાથી અમે વાકેફ છીએ. સોમવારે મોડી રાત્રે લોકસભામાં આ બિલ ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી પાસ થઇ ગયું હતું. લોકસભામાં બહુમતિ હોવાના કારણે સરકાર ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી બિલને પાસ કરાવી લેવામાં સફળ રહ્યું હતું.

(7:39 pm IST)