મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ઉત્તરાખંડઃ ર દિ' ભારે હિમપાત થશેઃ ગાત્રો થીજાવતી ઠંડી પડશે

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુઃ ૧૩-૧૪ મીએ કોલ્ડ ડે કંડીશન

દેહરાદુન તા. ૧૧ :.. રાજયના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે હિમવર્ષા થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન ખાતાએ એલર્ટ બહાર પાડયું છે. ૧૩ અને ૧૪ ડીસેમ્બરે કોલ્ડ ડે કંડીશન થઇ શકે છે. હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલ બુલેટીન અનુસાર રાજયમાં હવામાન બગડવાની શરૂઆત આજ થી જ થઇ જશે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે. જયારે ઉત્તરકાશી, ચમૌલી, રૂદ્રપ્રયાગ અને પિથૌરાગઢના કેટલાક ઉંચાઇવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે. રાજયના રપ૦૦ મીટરથી વધુ ઉંચાઇ પર આવેલ અન્ય સ્થળોએ પણ વરસાદની શકયતા છે.

જયારે ૧ર ડીસેમ્બરે ઉત્તરકાશી, ચમૌલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢના રપ૦૦ મીટરથી વધુ ઉંચાઇ વાળા મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાનું અનુમાન છે. ૧૩ ડીસેમ્બરે ઉત્તરકાશી, ચમૌલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢના ઉંચાઇ વાળા વિસ્તરો તેમજ દેહરાદુન, ટીહરી, નૈનિતાલ અને અલમોડામાં કેટલાક વિસ્તારોમાં બરફ પડી શકે છે. ૧ર અને ૧૩ ડીસેમ્બરે આના સિવાયના ઘણા વિસ્તારોમાં કરા પડવાનું પણ અનુમાન છે. હવામાન વિભાગે એડવાઇઝરી બહાર પાડીને કોલ્ડ ડે દરમ્યાન સાવચેતી રાખવાની સલાહ આપી છે.

કોઇપણ વિસ્તારના સામાન્ય મહત્તમ ઉષ્ણતામાનમાં ૬ ડીગ્રી સુધીનો ઘટાડો થવાની સ્થિતીને કોલ્ડ ડે કંડીશન કહેવામાં આવે છે. આ દરમ્યાન લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી સે. થી ઓછું હોવું જોઇએ. રાજયના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રીથી ઓછું જ છે.

(11:34 am IST)