મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

જાવેદ અખ્તર- નસરૂદીન શાહ- રોમિલા થાપર- અર્પણા સેન સહિત ૭૨૭ હસ્તીઓએ પત્ર લખી સીટીઝન બીલ્સનો વિરોધ કર્યો

કોંગ્રેસ દ્વારા દેશભરમાં દેખાવો ચાલુઃ પૂર્વોત્તર રાજયોમાં ૪૮- ૬૦ કલાક બંધના એલાન

નવી દિલ્હીઃ લોકસભામાંથી પસાર થયા બાદ આજે રાજયસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ થયું છે. આ બિલનો વિરોધ કરવા માટે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન, ૭૨૭ નામાંકિત હસ્તીઓએ પણ બિલ વિરૂદ્ઘ ખુલ્લા પત્રો લખ્યા છે. આમાં પૂર્વ ન્યાયાધીશો, વકીલો, લેખકો, અભિનેતાઓ અને સામાજિક કાર્યકરો શામેલ છે. વિરોધ કરનારાઓમાં જાવેદ અખ્તર, નસીરૂદ્દીન શાહ, એડમિરલ રામદાસ જેવા મોટા નામ પણ સામેલ છે.

આ હસ્તીઓએ સરકારને નાગરિકતા સુધારણા બિલ પાછું ખેંચવાની માંગ કરી છે. પત્રમાં લખ્યું છે, ''આ બિલ ભારતની સર્વાંગી અને સર્વગ્રાહી દ્રષ્ટિએ આબરૂના લીરા ઉડાવી રહ્યું છે. અમે આ બિલને સાંસ્કૃતિક અને શૈક્ષણિક સમુદાયોથી વિભાજીત, ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય માનીએ છીએ અને તેનાથી ભારતના લોકશાહીના મૂળને નુકસાન થશે.''

પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ બિલ બંધારણ સાથેની છેતરપિંડી છે. તેથી અમે સરકારને આ બિલને તાત્કાલિક પાછું ખેંચવા કહી રહ્યા છીએ. આગળ કહેવામાં આવ્યું છે કે આ સૂચિક કાયદો ભારતીય પ્રજાસત્તાકના મૂળ સ્વરૂપને જ બદલી નાખશે. જે બંધારણ દ્વારા આપવામાં આવેલ સંઘીય ઢાચા માટે ખતરા સમાન છે.

આ કાગળ પર લેખક જાવેદ અખ્તર, અભિનેતા નસીરૂદ્દિન શાહ અને એડમિરલ રામદાસ સિવાય ઈતિહાસકારો રોમિલા થાપર, અભિનેત્રી નંદિતા દાસ, અપર્ણા સેન, સામાજિક કાર્યકારો યોગેન્દ્ર યાદવ, તીસ્તા સેતલવાડ, અરૂણા રોય અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.પી.શાહ, દેશના પ્રથમ સીઆઈસી વજાહત હબીબુલ્લાહ વગેરે લોકો સામેલ છે.

(11:33 am IST)