મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ હજુ 'માંદગીના ખાટલે' : બુકીંગ ઘટયા : લેહ-લડાખનું આકર્ષણ

ભારત-વિદેશી પ્રવાસીનું આગમન ધીમુ : બિઝનેસ પ૦ ટકા ઘટયો

શ્રીનગર, તા. ૧૧ : ઓકટોબરમાં કાશ્મીરની મુસાફરી અંગેનો પ્રતિબંધ ઉઠાવી લીધાના બે મહિના છતાં પર્યટનમાં હજુ તેજી આવી નથી. ઓનલાઇન ટ્રાવેલ ઓપરેટર્સ અને હોટેલ બુકીંગ્સના ડેટા પ્રમાણે આ વખતે શિયાળામાં બુકીંગ અને પૂછપરછમાં ગયા વર્ષના સમાન ગાળાની તુલાનામાં પ૦ ટકા ઘટાડો નોંધાયો છે. પર્યટકોમાં કાશ્મીરનું આકર્ષણ નહીંવત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીર ખીણમાં સ્થિત બ્રાન્ડેડ હોટેલ ચેઇન્સે કામગીરી શરૂ કરી ત્યારથી સતત નુકસાન થઇ રહ્યું છે. કારણ કે ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ પર્યટકોને આકર્ષવામાં મોટો અવરોધ પુરવાર થઇ રહ્યો છે. Bigbreaks.comના એમડી કપિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'કાશ્મીરમા ભારત અને વિદેશી પર્યટકોનું આગમન ઘણું ધીમું છે. ગયા વર્ષની તુલનામા આ વખતે બિઝનેસ લગભગ પ૦ ટકા ઘટયો છે અને એ નોંધવું જરૂરી છે કે, ગયું વર્ષ બહુ સારૂ ન હતું. અમે સતત કાશ્મીર પર્યટન માટે એડ્ કરી રહ્યા છીએ, પણ પૂછપરછ ઘણી ઓછી છે. શ્રીનગરની ૬૦-૭૦ ટકા હોટેલ્સ કાર્યરત છે, પણ ખાસ બુકીંગ નથી.'

ઉલ્લેખનીય છે કે, ૯ ઓકટોબરના આદેશમાં ગૃહ વિભાગે બે ઓગસ્ટે જારી કરેલી સુરક્ષા એડ્વાઇઝરી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. કલમ ૩૭૦ હટાવી લીધા પછી તરત આ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી.

આદેશમાં જણાવ્યું કે, 'કાશ્મીરનો પ્રવાસ કરવા ઇચ્છુક પર્યટકોને રાજયએ જરૂરી તમામ સહાય અને પ્રવાસ માટેની સહાય કરવી.' ixigoના સીઇઓ અને સહસ્થાપક આલોક બાજપાઇએ જણાવ્યું હતું કે, કાશ્મીર પ્રવાસ માટેની પૂછપરછમાં ચાલુ વર્ષ પ૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. ઓકટોબર-ડિસેમ્બર ર૦૧૯ના ગાળામાં ફલાઇટ અને હોટેલ બુકીંગ અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૧૪ ટકા ઘટયું છે.

(10:14 am IST)