મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બેંક એકાઉન્ટ સાથે PAN લીંક ન હોય તેમનું ઇનકમ ટેકસ રિફંડ જમા ન થયું!

કરદાતાઓના રિફંડ બાઉન્સ થયા અને મેસેજ આવ્યા કે PAN લિંક કરાવ્યા બાદ જ જમા થશે

મુંબઇ, તા.૧૧: આયકર વિભાગે આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ના રિફંડ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે જ CBDTના નવા એક નિયમને કારણે કરદાતાઓ પરેશાન થઇ ગયા છે. આ નિયમ એ છે કે જે કરદાતાએ પોતાના બેંક એકાઉન્ટ સાથે PAN લિંક કર્યું હોય તેમને જ રિફંડ મળશે. આ નિયમને કારણે ઘણા કરદાતાના ઇનકમ ટેકસના રિફંડ પરત થઇ રહ્યા છે અને કરદાતાને એવા મેસેજ આવે છે કે બેંક એકાઉન્ટ સાથે PAN લિંક કરાવો પછી જ રિફંડ મળશે. ઘણાં કરદાતાઓએ લિંક કરાવ્યા હોવા છતાં સિસ્ટમમાં અપડેટ ન થયા હોવાથી તેમના રિફંડ અટવાયા છે. NRI કરદાતાઓને તો ૧૦ હજારનું રિફંડ મેળવવા માટે લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને પરત આવવું પડે તેવો ઘાટ થઇ રહ્યો છે.

ટેકસ એડવોકેટ પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે સરકાર વહેલું રિટર્ન ભરાવ્યું હતું અને હવે રિફંડ અંગે નવા નવા નિયમોથી કરદાતાઓ પરેશાન છે. હાલ આકારણી વર્ષ ૧૯-૨૦ના રિફંડના ઓર્ડર ઇશ્યૂ થઇ રહ્યા છે. હવે CBDTના નવા નિયમ અનુસાર જે કરદાતાનું PAN બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તેમના ખાતામાં જ રિફંડ જમા થશે. તેથી સંખ્યાબંધ કરદાતાઓના રિફંડ પરત થઇ રહ્યા છે. હવે કરદાતા PAN લિંક કરાવવા બેંકમાં જાય ત્યારે બેંક અધિકારી PAN બેંક એકાઉન્ટ સાથે લિંક હોવાનું જણાવે છે. તેથી રિફંડ ઇચ્છુક કરદાતા અવઢવમાં મૂકાઇ જતો હોય છે. ખરેખર તો બેંક અથવા તો ડિપાર્ટમેન્ટની સિસ્ટમની ક્ષતિને કારણે કરદાતાઓના રિફંડ પરત થઇ રહ્યા છે.

વધુમાં પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે ઘણા NRI કરદાતાઓના રિફંડ પણ પરત થયા છે. તેથી તેઓ પરેશાન થઇ ગયા છે. હવે જે NRI કરદાતાને રૂ. ૧૦ હજારનું રિફંડ મેળવવાનું હોય તેને લાખ રૂપિયાની ટિકિટ ખર્ચીને પરત આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રિફંડ આપવામાં ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા નિયમો અનુસાર જે રીતે ઢીલ કરવામાં આવી રહી છે. તેને કારણે કરદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કરદાતાઓની ફરિયાદ છે કે નવી સિસ્ટમ શરૂ કરતાં પહેલા જ કરદાતાને રિટર્ન ફાઇલ કરતી વખતે જ રિફંડ માટેના નિયમ અંગે જાણ કરી દેવાઇ હોત તો કરદાતાઓને જે હાલ દોડધામ કરવી પડે છે. તેવી સ્થિતિ જ ઊભી ન થઇ હોત.

(11:31 am IST)