મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ગેરકાયદે હથિયાર રાખશો તો થશે આજીવન કેદ, ૧ લાયસન્સ પર ૨ થી વધુ હથિયાર રાખી નહિ શકાય

આયુધ (હથિયાર) સંશોધન બિલ સંસદમાં પાસઃ અત્યાર સુધી ૧ લાયસન્સ પર ૩ હથિયાર રાખી શકાતા હતાઃ લગ્ન પ્રસંગે ફાયરીંગ કરનારને જેલમાં જવું પડશે

નવી દિલ્હી, તા.૧૧: ગેરકાયદેસર હથિયારોના નિર્માણ પર આજીવન સજાની જોગવાઈને સંસદે મંજૂરી આપી દીધી છે. મંગળવારના રોજ આયુધ (હથિયાર) સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી, જેમાં ગેરકાયદેસર હથિયારોના નિર્માણ પર આજીવન જેલની સજાની જોગવાઈ છે. રાજયસભામાં આ બિલને ચર્ચા બાદ ધ્વનિ મત સાથે પસાર કરવામાં આવ્યું. લોકસભાએ સોમવારના રોજ આ બિલને પસાર કર્યું હતું.

આ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે ગેરકાયદેસર હથિયાર વેચનાર અને તસ્કરી (ચોરી) કરનાર વ્યકિતને આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કોઈને આપત્તિ હોઈ શકે નહીં. આ સિવાય હવે એક લાઈસન્સ પર બે કરતા વધારે હથિયાર રાખી શકાશે નહીં.

પોલીસ પાસેથી શસ્ત્ર છીનવી લેવું અને તે ચોરી કરનાર માટે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. જે લોકો પ્રતિબંધિત બારૂદ રાખશે તે લોકોને ૭થી ૧૪ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તહેવારો, લગ્નપ્રસંગે ફાયરિંગ કરનારને પણ હવે જેલ જવું પડશે. વર્ષ ૨૦૧૬માં કુલ ૧૬૯ લોકોના આ રીતે ફાયરિંગની ઘટનાઓમાં મોત થયા હતા.

પ્રતિબંધિત દારૂગોળો રાખનારને ૭ થી ૧૪ વર્ષની કેદ થશે હાલ જેમની પાસે ત્રીજુ હથિયાર હોય તો તેણે ૧ વર્ષમાં પોલીસ સ્ટેશને જમા કરાવવું પડશે.(૨૩.૩)

 

(10:11 am IST)