મુખ્ય સમાચાર
News of Thursday, 11th November 2021

એનસીપીના નેતા નવાબ મલીકની પુત્રી નીલોફર ખાન મલીકે દેવેન્‍દ્ર ફડણવીસને પાંચ કરોડની માનહાનિની નોટીસ ઠપકારી

પૂર્વ મુખ્‍યમંત્રીએ કરેલ આરોપ નાર્કોટીક્‍સ કંટ્રોલ બ્‍યુરોની ચાર્જશીટમાં પણ નથી

મુંબઇ: મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની દીકરી નિલોફર ખાન મલિકે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને ‘માનહાનિ કરનારા અને ખોટા આરોપો માનસિક પ્રતાડના, પીડા અને નાણાકીય નુકસાન માટે કાયદાકીય નોટિસ મોકલીને 5 કરોડ રૂપિયાની માંગ કરી છે.

NCP નેતા મલિક અને તેમની દીકરી નીલોફર મલિક ખાને ટ્વિટર પર કાયદાકીય નોટિસ શેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ફડણવીસે સમીર ખાન પર ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવ્યો, જ્યારે કેસની તપાસ હજુ ચાલુ છે. માનહાનિની કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યુ છે, ‘ તમે (દેવેન્દ્ર ફડણવીસ) જે કહ્યુ તેવો કોઇ પણ આરોપ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ચાર્જશીટમાં નથી.’

નોટિસમાં કહેવામાં આવ્યુ છે- ’14 જાન્યુઆરી 2021ના પંચનામામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે ઘરની તપાસ કરવામાં આવી હતી અને મારા મુવક્કિલના ઘર અથવા તેમની પાસેથી કોઇ પણ પ્રતિબંધિત પદાર્થ મળ્યો નથી પરંતુ તમે કોઇ સ્ત્રોત પાસેથી આવી જૂઠી અને આધારહિન જાણકારી મેળવી, આ તમને જ ખબર હશે.

નોટિસ મોકલ્યા બાદ મલિકે એક પત્રકાર પરિષદમાં કહ્યુ કે મારી દીકરીએ ફડણવીસને માનહાનિની નોટિસ મોકલી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીએ કહ્યુ કે દેશમાં ડ્રગ્સનો ધંધો ફેલાઇ રહ્યો છે. જેની પર NIA અને NCBએ ધ્યાન આપીને, નિષ્પક્ષતાથી કાર્યવાહી કરવી જોઇએ.

મલિક અને ફડણવીસમાં આરોપ પ્રત્યારોપ ચાલુ છે. નવાબ મલિકની દીકરીએ એવા સમયમાં નોટિસ મોકલી છે જ્યારે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ દેવેન્દ્ર ફડણવીસ અને લિક વચ્ચે આરોપ પ્રત્યારોપ ચાલુ છે. એક તરફ નવાબ મલિકે ફડણવીસ પર નકલી નોટ બનાવવાના રેકેટને બચાવવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ફડણવીસે દાવો કર્યો કે મલિક અને તેમના પરિવારના સભ્ય શંકાસ્પદ લેન્ડ ડીલ્સમાં સામેલ હતા.

(5:18 pm IST)