મુખ્ય સમાચાર
News of Thursday, 11th November 2021

કોરોના મહામારીમાં વિશ્‍વમાં પ્‍લાસ્‍ટીકના કચરાની સમસ્‍યા ઉભી : ૮૦ લાખ ટન કચરો કોરોનાને કારણે થયો

ન્યૂયોર્ક,: કોરોના મહામારીના કારણે વિશ્વમાં ૮૦ લાખ ટન કરતા વધારે પ્લાસ્ટિક કચરો પેદા થયો છે જેમાં ૨૫ હજાર ટન કરતા વધારે કચરો મહાસાગરોમાં ગયો છે. પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ પત્રિકામાં પ્રકાશિત સંશોધન માહિતી મુજબ મહાસાગરોમાં પ્લાસ્ટિકના કચરાનો એક મોટો ભાગ ત્રણ થી ચાર વર્ષ દરમિયાન મોજાના માધ્યમથી કિનારે આવે તેવી શકયતા છે.

જયારે કેટલોક ભાગ મહાસાગરના બેસિન કેન્દ્રોમાં જ ફસાયેલો રહેશે. સંશોધકોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ફેસ માસ્ક, હાથ મોજા અને ફેસ શિલ્ડ જેવા એકલ ઉપયોગ (વન ટાઇમ યૂઝ)વાળા પ્લાસ્ટિકની માંગમાં વધારો થયો હતો. આના પરીણામ સ્વરુપ ઉત્પન મેડિકલ વેસ્ટનો કેટલોક ભાગ નદીઓ અને મહાસાગરોમાં ભળ્યો છે. કોરોના મહામારી પહેલા પણ પ્લાસ્ટિક પ્રદૂષણ મોટી સમસ્યા હતી જેમાં હવે વધારો થયો છે.

ચીનમાં નાનજિંગ યુનિવર્સિટી અને અમેરિકાના સેન ડિએગોમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોની ટીમે જમીન સ્ત્રોતમાંથી નિકળતા પ્લાસ્ટિકસ પર કોરોના મહામારીની અસર એ વિષય પર સંખ્યાત્મક મોડલનો ઉપયોગ કર્યો હતો. આ મોડેલ દરિયામાં ઉઠતા મોજા અને અને તેની સપાટી પર તરતા પ્લાસ્ટિકને આભાસી રીતે વાસ્તવિક સમજવા માટે ઉપયોગી છે. પ્લાસ્ટિક સૂર્યપ્રકાશથી ક્ષીણ થતું રહે છે અને પેલૈકટન દ્વારા દૂષિત થાય છે. દરિયાકાંઠે પાછું આવીને ફરી ઉંડા પાણીમાં ડુબી જાય છે. આના માટે કોરોના મહામારીની ૨૦૨૦માં શરુઆત થઇ ત્યારથી માંડીને ઓગસ્ટ ૨૦૨૧ સુધીના ડેટાનો સમાવેશ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે સમુદ્રમાં આવેલા પ્લાસ્ટિક કચરાનો મોટો ભાગ એશિયાખંડમાંથી આવ્યો છે જેમાં મેડિકલ વેસ્ટનો પણ સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં મેડિકલ વેસ્ટનું વૈજ્ઞાાનિક ધોરણે નિરાકરણ લાવવામાં આવતું નહી હોવાનું પણ બહાર આવ્યું હતું. સૌથી નવાઇની વાત તો એ હતી કે મેડિકલ વેસ્ટનું પ્રમાણ ચોકકસ ગાળામાં વ્યકિતગત કચરા કરતા પણ વધારે હતું. એક માહિતી મુજબ એશિયાઇ દેશોની નદીઓમાંથી ૭૩ ટકા પ્લાસ્ટિક આવે છે. જેમાં અલ-અરબ, સિંધુ અને યાગત્સે જેવી નદીઓ ઇરાનની ખાડી,અરબ સાગર અને પૂર્વી ચીનસાગરને મળે છે. યૂરોપિય દેશોમાંથી કુલ ૧૧ ટકા પ્લાસ્ટિક મહાસાગરોમાં ઉમેરાય છે.

(12:00 am IST)